નવસારી સહિત સમગ્ર ગુજરાતમાં મહિલાઓની મદદ માટે 181 ઇમરજન્સી કોલ સેન્ટરની સ્થાપના કરાઇ છે. જેમાં નવસારી જિલ્લામાં વર્ષ-2022માં 3400 પીડિત મહિલાએ કોલ કર્યો હતો. ટીમે 895 કોલમાં ઘટના સ્થળે જઈ કાઉન્સેલિંગ કર્યા હતા. ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ દ્વારા કાર્યાન્વિત અને ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પલાઇન તરીકે અભયમ 181 મહિલા હેલ્પલાઇન લાઇન પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિનીઓ, મનોરોગી મહિલાઓ અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.
અભયમ હેલ્પલાઇન 24x7 વિનામૂલ્યે સેવા પૂરી પાડી રહી છે. મહિલાઓ પર થતા શારીરિક, માનસિક, જાતિય અત્યાચાર સહિત ઘરેલું હિંસા સહિતના કિસ્સા, કામનાં સ્થળે જાતિય સતામણી, લગ્નજીવનના વિખવાદો, લગ્નેતર સંબંધ, મનોરોગી મહિલાઓની સમસ્યા, બાળ જન્મ, બાળ લગ્ન, બિનજરૂરી કોલ મેસેજ થી હેરાનગતિ, મહિલાને મિલકતમાં ભાગીદારી, છેડતી, સાયબર ક્રાઇમ,અપહરણ, બળાત્કાર કે અન્ય પ્રકારના કિસ્સામાં મદદરૂપ બને છે.
અસરકારક કાઉન્સેલિંગ દ્વારા વિખરાતા પરિવારને બચાવ્યાની અનોખી કામગીરી કે મનોરોગી મહિલાઓને પરિવાર સાથે મિલન કે સુરક્ષિત આશ્રય અપાવવો કે આત્મહત્યાના વિચારોમાંથી મુક્તિના કેસમાં આજે અભયમ વધુને વધુ સુદૃઢતાથી સેવા પહોંચાડી રહી છે. અનેક મહિલાના જીવનમાં એક આશા નું કિરણ, સુખમય જીવન જીવવા અભયમ પ્રેરણાદાયી બની રહ્યું છે. તેથી જ તો ગુજરાતની મહિલાઓ અભયમને પોતાની સાચી સખી સાહેલી તરીકે વિશ્વાસુ બની રહી છે.
અભયમ સરકારના અન્ય વિભાગો સાથેનું મજબુત સંકલન, સુસજ્જ ટેકનિકલ માળખુ, પ્રોફેશનલ ટીમ, સ્ટેક હોલ્ડર સાથે સંકલન અને સેવાભાવનાની કટિબદ્ધતાથી ઝડપી સેવા પહોંચાડવા અસરકાર કાર્ય કરી રહ્યું છે. અભયમ મોબાઈલ એપ્લિકેશન, અભયમ પોલિસ હેલ્પ ડેસ્ક પણ ઝડપી સેવામા ઉપયોગી નિવડી રહ્યું છે.
2015થી હમણાં સુધી 12 લાખ કોલ આવ્યા છે
ગુજરાત રાજ્યમાંથી વર્ષ 2015 થી અત્યાર સુધી 12 લાખ જેટલા પીડિત મહિલાઓએ મદદ, માહિતી અને બચાવ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ અને ખાસ કિસ્સાઓ કે ઘટનાસ્થળે પહોંચી અઢી લાખ ઉપરાંત મહિલાઓને રેસક્યૂ ટીમ દ્વારા બચાવ અને મદદ પહોંચાડવામાં આવી હતી. બાકીના મહિલાઓને માર્ગદર્શન અને સંદર્ભ સેવા આપવામાં આવી હતી. નવસારી જિલ્લામા વર્ષ-2022 દરમિયાન 3400થી વધુ પીડિત મહિલાઓએ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરેલ અને 895થી વધુ કિસ્સામાં ઘટનાસ્થળે પહોંચી અભયમ સેવા પૂરી પાડી હતી. - કૃપાલી પટેલ, કાઉન્સેલર, 181 અભયમ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.