ડાંગ જિલ્લાનાં સુબીરનાં યુવાને ઓનલાઈન બાઈક ખરીદીનાં ચક્કરમાં રૂ. 25500 ગુમાવતા ફરિયાદ નોંધાવી હતી. સુબીરમાં રહેતા સુનિલભાઈ શંકરભાઈ પવાર (ઉ.વ. 22) પોતાના મોબાઈલમાં ફેસબુકનાં માધ્યમથી માર્કેટ પ્લેસમાં જૂની સેકેન્ડ હેન્ડ ગાડી જોઈ રહ્યો હતો. તે સમયે ફેસબુકમાં સ્પ્લેન્ડર પ્લાસ સેલ્ફ ડ્રમ કાસ્ટ, કલર બ્લેક સિલ્વર સ્ટાર ગાડી ગમી ગઇ હતી.
જેથી તેણે ગાડીનાં ફોટા સાથે આપેલા મોબાઈલ નંબર પર ફોન કરી તે વ્યક્તિ સાથે વાતચીત કરી બાઈકનાં 18 હજાર નક્કી કર્યા હતા. આ બાઈક વેચવાવાળા વ્યક્તિએ સુનિલને આરસી બુકનો ફોટો વોટ્સએપ પર મોકલી વિશ્વાસમાં લઇ જણાવેલું કે ફોન પે દ્વારા નાણા જમા કરાવી આપો, ત્યારબાદ પાર્સલમાં બાઈક આવી જશે.
સુનિલે પ્રથમ 8 હજાર અને બાદમાં 10 હજારનું પેમેન્ટ જમા કરાવી દેવા છતાં બાઇક મળ્યું ન હતું. જેથી મોબાઈલ નંબરવાળા ઈસમ દર્શનકુમાર ઇંદરસિંગને ફોન કરતા તેઓએ જણાવ્યું હતુ કે બીજા 7500 ડિલિવરી ચાર્જ લાગશે જેથી તેમણે ફરી ફોન પે મારફતે દિનેશ મીના નામના એકાઉન્ટમાં 7500 નાંખ્યા હતા પરંતુ બાઈકની ડિલિવરી આજદિન સુધી નહીં મળતા સુનિલને છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેમણે બાઇકના ચક્કરમાં 25,500 ગુમાવતા છેતરપિંડી કરનાર દર્શનકુમાર ઇદરસિંગ (મુ. પો.સી-4-5-બિંદુ બ્લોક, ઘોડાસર, અમદાવાદ ઇસ્ટ) સામે સુબીર પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.