મોતના મુખમાંથી ઉગાર્યો:ઉભરાટના દરિયામાં ડૂબી રહેલા યુવાનને હોમગાર્ડના જવાનોએ બચાવી જીવનદાન આપ્યું

નવસારી22 દિવસ પહેલા
  • યુવકને તરતા આવડતું ન હોવા છતાં દરિયામાં ઊંડાણમાં જતા ડૂબવા લાગ્યો હતો

ઉનાળાનું વેકેશન હાલમાં ચાલી રહ્યુ છે. ત્યારે મોજ માણવા માટે સહેલાણીઓ દરિયા કિનારા તરફ મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. જોકે, મોજ માણતા યુવાનો ક્યારેક ઊંડા દરિયામાં જવાની ભૂલ કરી બેસે છે. જેને લઇને અનેક ડૂબવાના બનાવો બની રહ્યા છે. આવો જ એક બનાવ નવસારીના ઉભરાટ દરિયા કિનારે બન્યો છે. જેમાં સુરતથી મિત્રો સાથે ઉભરાટના દરિયા કિનારે આવેલો એક યુવાન તરતા આવડતું ન હોવા છતાં ઊંડાણમાં જતા ડૂબવા લાગ્યો હતો. જોકે, દરિયા કિનારે ફરજ પર હાજર હોમગાર્ડ જવાનોએ આ યુવાનને બચાવી લીધો હતો.

ઇદના તહેવારની ઉજવણી કરવાના ભાગરૂપે ગઈકાલે બપોરે સુરતથી મિત્રો સાથે આવેલો મોહમ્મદ આકીબ મોહમ્મદ શેખને ઊંડા દરિયામાં મોજ માણવી ભારે પડી હતી. તેને તરતા આવડતું ન હોવા છતાં ઊંડાણમાં જતા દરિયામાં ડૂબવા લાગ્યો હતો. જોકે, દરિયા કિનારે ફરજ પર હાજર હોમગાર્ડ જવાનો ધીરજભાઈ ટંડેલ અને હરીશભાઇ ટંડેલે સમય સૂચકતા વાપરીને દરિયામાં જઈને ડૂબી રહેલા યુવાનને બહાર કાઢ્યો હતો. તેમજ બેહોશીની હાલતમાં તેના છાતીના ભાગે પંપીંગ આપી ફેફસામાં ભરાયેલા પાણીને બહાર કાઢી તેને જીવતદાન આપ્યું હતું. જેથી જવાનોની બહાદુર જિલ્લા પોલીસ દ્વારા સરાહના કરવામાં આવી છે.

ડૂબતા યુવાન મહંમદ આકીબને સમયસર મદદ મળી જતા તાત્કાલિક તેનો જીવ બચી ગયો હતો. જિલ્લા પોલીસ દ્વારા તહેવાર નિમિત્તે દરિયાકિનારે પોલીસ અને હોમગાર્ડના જવાનોને બંદોબસ્તમાં ખડકી દેવામાં આવે છે, જેને કારણે કોઇ દુર્ઘટના બને તો તાત્કાલિક બચાવ કામગીરી કરી શકાય તેના ભાગરૂપે બંદોબસ્તમાં તહેનાત બે હોમગાર્ડ જવાને સમયસૂચકતા વાપરી સુરતના યુવાનને મોતના મુખમાંથી પાછા લાવવામાં સફળતા મળી હતી.

આ બનાવે એ યુવાનો માટે લાલબત્તી સમાન છે કે જેઓ મોજ-મસ્તી કરવા માટે દરિયામાં ઊંડા પાણીમાં જતા હોય છે તેને કારણે દરિયામાં ડૂબવાથી અનેક મોત થયા હોવાના પણ ભૂતકાળમાં બનાવો સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...