રખડતા ઢોરનો આતંક:નવસારી શહેરમાં એક રાહદારી મહિલાને ગાયે અડફેટે લીધા, સમગ્ર ઘટના CCTVમાં કેદ

નવસારી11 દિવસ પહેલા

નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ફરીવાર વધ્યો છે જેને કારણે શહેરીજનોનું રસ્તા પરથી પસાર થવું જાણે જોખમી બન્યું હોય તેમ શહેરના લંગરવાડ વિસ્તારમાં રહેતી મહિલા કામ અર્થે દરગાહ રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે સાંજે 5:30 વાગ્યે ગાયે મહિલાને ટક્કર મારતા મહિલા મોપેડ સાથે અથડાઈ હતી અને તેને ગંભીર ઈજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવારથી ખસેડાઇ છે.

શહેનાઝબાનું કમલુદ્દીન મલેક નામની આશરે 50 વર્ષીય મહિલા દરગાહ રોડ પરથી પસાર થઈ રહી છે અને એકાએક ગાય તેણીને ટક્કર મારે છે. જેથી મહિલા બાજુમાં ચાલતી મોપેડ પાસે જઈને નીચે પટકાઈ છે. આ સમગ્ર ઘટનાના CCTV સામે આવ્યા છે.ભૂતકાળમાં નવસારી શહેરમાં રખડતા ઢોરની અડફેટે અનેક લોકો ઘાયલ થયા છે તો કેટલાક લોકોના મોત પણ નિપજ્યા છે. પરંતુ આ સમસ્યા હલ કરવા માટે પાલિકા સદંતર નિષ્ફળ નિવડી હોય તેમ ચિત્ર સામે આવી રહ્યું છે, કોઈ શહેરીજન અકસ્માતની ઘટના બને ત્યારે પાલિકા સફાળી જાગીને ઢોર પકડવાની કામગીરી હાથ ધરે છે. પરંતુ એકલદોકલ ઢોર પકડ્યા બાદ જેસે થે જેવો ઘાટ સર્જાય છે.

ભૂતકાળમાં રખડતા ઢોરને કારણે અડફેટે આવેલા લોકો દ્વારા એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ઓફિસર ઉપર પોલીસ કેસ પણ નોંધાયા છે. પરંતુ ભૂતકાળની ભૂલ પરથી બોધપાઠ ન મેળવીને પાલિકા આમ શહેરીજનોને છુંટથી ફરી શકવાની ખાતરી આપી શકતી નથી.

અન્ય સમાચારો પણ છે...