નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતના ભાજપના સભ્ય રોબિન્સ પટેલ સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી રોબિન્સે લગ્નની લાલચ આપી ચાર વર્ષ સુધી શારીરિક શોષણ કર્યાનો વિધવા મહિલાએ આરોપ લગાવ્યો છે.
લગ્નની લાલચ આપી વિધવા મહિલાનું શોષણ કર્યું
ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પતિનું બીમારી સબબ 2017માં અવસાન થયું હતું. ત્યારબાદ મહિલા 2019માં પોતાના જ ગામમાં રહેતા અને ચીખલી તાલુકા પંચાયતના સભ્ય રોબિન્સ પટેલના સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. રોબિન્સ પટેલે મહિલા સાથે લગ્ન કરવાની વાત કરી અવારનવાર શરીરસંબંધ બાંધ્યા હતા.
ચાર વર્ષ સુધી સંબંધ રાખ્યા બાદ રોબિન્સે લગ્નની ના પાડી દીધી
રોબિન્સ ચાર વર્ષ સુધી વિધવા મહિલાનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. મહિલાએ રોબિન્સને લગ્ન કરી લેવાનું કહેતા રોબિન્સે ચોખ્ખી ના પાડી દીધી હતી. ત્યારબાદ પીડિતાએ સમાજના લોકોને સમગ્ર મામલે વાત કરી હતી. તો રોબિન્સ પટેલે સમાજના લોકોની સમક્ષ પણ લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
અંતે પીડિતાએ રોબિન્સ સામે ફરિયાદ નોંધાવી
રોબિન્સે પીડિત મહિલા સાથે લગ્નની કરવાની સ્પષ્ટ ના પાડી દેતા પીડિતાએ ચીખલી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે આરોપી રોબિન્સ પટેલની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોણ છે રોબિન્સ પટેલ?
વિધવા મહિલાએ જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તે રોબિન્સ પટેલ નવસારી જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપની ટિકિટ પર બામણવેલ બેઠક પર ચૂંટાયેલો સભ્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.