કાર્યવાહી:ખોટી નંબર પ્લેટ લગાવી બુલેટ ટ્રેનનો સામાન શિફ્ટ કરતો ટ્રક ચાલક ઝડપાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી RTOએ ટ્રકની સઘન તપાસ કરતા મામલો બહાર આવ્યો

નવસારીમાં બુલેટ ટ્રેનનું કાર્ય ખુબ જ ઝડપ ભેર થઇ રહ્યું છે, આ સમગ્ર કામગીરી લાર્સન એન્ડ ટર્બો લીમીટેડ નામની કંપની કરી રહી છે. આ કંપની પોતાના કાર્યને સરળ બનાવવા માટે અન્ય લોકોને કાર્ય આપતી હોય છે. જોકે આ કામગીરીમાં ગંભીર બેદરકારી બહાર આવી છે. સોમવારની મોડી રાત્રે આશરે 10.00 વાગ્યાની આસપાસ ઇટાળવા ગામ પાસે રાજ્કસ થિયેટર બહારથી બુલેટ ટ્રેનનો સામાન ભરીને એક ટ્રક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન એઆરટીઓ પી. એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સિનિયર મોટર વાહન નિરિક્ષક કેતનભાઇ વ્યાસ રાઉન્ડ ધ ક્લોક તપાસ કરી રહ્યાં હતા.

ટ્રકને અટકાવી તેની તપાસ કરતા તેમાં બુલેટ ટ્રેનનો સામાન હોય તેને નસીલપોરથી નવાગામ લઇ જવાનો છે તેમ જણાવાયું હતું. આ બાદ ટ્રકની સઘન તપાસ હાથ ધરતા કેતનભાઇ વ્યાસને ચોંકાવનારી વિગતો પ્રાપ્ત થઇ હતી. ટ્રકમાં જે નંબર પ્લેટ લગાવવામાં આવી હતી તે ખોટી હતી. ટ્રકમાં જીજે 05. એટી 2292 નંબરની પ્લેટ લગાવવામાં આવી હતી. જ્યારે તેની ઓરિજનલ નંબર પ્લેટ જીજે 16. એક્સ 6206 છે. આ બન્ને નંબર પ્લેટની તપાસ કરતા જીજે 05. એટી 2292 નંબર ભરૂચના પ્રમોદકુમાર ચૌધરીની છે.

જ્યારે જીજે 16. એક્સ 6206 નંબરની ગાડી ભરૂચના જ અનિલકુમાર તોમરની છે. એઆરટીઓએ કલમ 207 લગાવી મોટર વાહન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી ટ્રકને ડિટેન કર્યો છે. જોકે બન્ને નંબરના માલીકોને નવસારી આરટીઓમાં ખુલાસા માટે બોલાવાયા છે.

અન્ય સમાચારો પણ છે...