વરસાદી આફત:વાંસદાના લાખાવાડી ગામે ઘર પર ઝાડ પડતા ભારે નુકસાન, અનાજ પલળી જતા વિધવા મહિલા પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વરસાદે શહેરમાં વિરામ લીધો, આદિવાસી પટ્ટામાં મેઘરાજાની બેટિંગ યથાવત
  • ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી કુલ 5 ઘર અને અનેક વૃક્ષ ધરાશાય થયા

હવામાન વિભાગની આગાહીને લઇને નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વાસદાનાં લાખવાડી ગામના ઘર પર સાગનું ઝાડ પડતા ઘરવખરીને નુકસાન થવા પામ્યું છે, ઘરમાં અનાજ અને ફર્નિચરને નુકસાન થતાં પરિવાર દુઃખી થયો છે. આદિવાસી પટ્ટામાં કાચા મકાનો હોય છે, જેના કારણે વૃક્ષ કે વરસાદી આફતને કારણે નુકસાન થાય તો પરિવાર પર આફત તૂટી પડે છે. એવી રીતે જ લાખાવાડીના પટેલ ફળિયામાં પણ સાગનું વૃક્ષ પડતા પરિવાર મુશ્કેલીમાં મુકાયો છે.

ગરીબ પરિવારના ઘર પર વૃક્ષ પડ્યું
પટેલ ફળિયામાં રહેતા સવિતાબેન વિધવા છે અને માંડ માંડ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે ભારે પવનને કારણે રાત્રિના સમયે વૃક્ષ ધરાશયી થતા ઘરના સરસામાનને નુકસાન થવા સાથે અનાજ પણ પલળી ગયું હતું. જેમાં 40થી 50 હજારનું નુકસાન થવા પામ્યું છે. જેને કારણે વિધવા મહિલા સવિતાબેન પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે.

છેલ્લા 24 કલાકમાં 8.15 ઇંચ વરસાદ
નવસારી જિલ્લામાં હવામાન આગાહીને પગલે છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. હાલમાં નવસારી જિલ્લાના જલાલપુર અને નવસારી તાલુકામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ વાસદા ખેરગામ અને ચીખલી તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 2 કલાકમાં વાંસદામાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 8.15 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી આફતને કારણે થતા નુકસાનમાં શહેર જેટલી વહેલી મદદ મળતી નથી.

અન્ય સમાચારો પણ છે...