નવસારી જિલ્લાની 4 વિધાનસભા બેઠકોમાંથી નવસારી વિધાનસભામાં 13, જલાલપોર અને ગણદેવીમાં 11-11 અને વાંસદા વિધાનસભામાં 14 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.જેમાં જિલ્લાની ચારેય બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ટક્કર જામશે સાથેજ દર વખતની જેમ અપક્ષો પણ ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. તેમણે પણ પોતાના સમર્થકો અને ટેકેદારો સાથે જેતે તાલુકા કક્ષાએ પોતાના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.
ત્રણ મુખ્ય રાજકીય પક્ષો સાથે બહુજન સમાજ પાર્ટી, બહુજન સોશ્યલ રિપબ્લિકન પાર્ટી તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી કરી છે.ગુજરાત રાજ્યમાં વર્ષોથી ત્રીજા પક્ષને મતદારોએ જાકારો આપ્યો છે ત્યારે આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર બનવા સાથે મતદારો માટે ત્રીજો વિકલ્પ બની છે. ત્યારે ગુજરાત રાજ્યની 182 સીટ માટે લગભગ આમ આદમી પાર્ટીએ દરેક જિલ્લાની બેઠક માટે દાવેદારી નોંધાવી છે.
નવસારી જિલ્લામાં ચાર બેઠક માટે અધધ કહી શકાય એવા 49 જેટલા ઉમેદવારોએ ઔપચારિક રીતે ધારાસભ્યના ઉમેદવારી માટેના ફોર્મ ભર્યા છે. લોકશાહીમાં દરેક લોકોને ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની અને લોકશાહી ઢબે સેવા કરવાની એક તક મળે છે. ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ નવસારીમાંથી અલગ અલગ પક્ષોના ઉમેદવારોએ ચૂંટણી લડવામાં રસ દાખવ્યો છે અને આગળ આવી ફોર્મ ભર્યા છે ત્યારે આઠમી ડિસેમ્બરે આવનારા નિર્ણયમાં કયા પક્ષનો કે અપક્ષ ઉમેદવારનો સ્વીકાર થાય છે તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.