નવસારી જિલ્લામાં આવેલી સોનાની લગડી સમાન જમીનોનો ખેલ પાડવા માટે દલાલો અને વચેટીયાઓ વર્ષોથી મુખ્ય ભૂમિકા ભજવતા રહ્યા છે. ત્યારે વડોદરાથી મુંબઇ જતા એક્સપ્રેસ હાઈવે અંતર્ગત નવસારી જિલ્લાની પણ જમીન સંપાદિત કરવામાં આવી છે. જેમાં સુરતના વકીલ અને દલાલોએ જમીનના ખોટા દસ્તાવેજો ઊભા કરીને વળતરના નાણાં મેળવ્યાના પ્રકરણમાં કુલ 12 ફરિયાદ નોંધાઈ છે. જેથી સમગ્ર મામલો ગાંધીનગર મહેસુલ વિભાગ પાસે પહોંચતા ગઈકાલે મંગળવારે ગાંધીનગરમાં મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પત્રકાર પરિષદ યોજી હતી.
નવસારી જિલ્લાના ખેડૂતોએ આ પ્રકરણમાં તલસ્પર્શી તપાસ થવા મુદ્દે સાંસદ સી.આર.પાટીલનો આભાર માન્યો છે. સૌ પ્રથમ બુલેટ ટ્રેનમાં વળતરના નાણાં ઓછા મળવા મુદ્દે ખેડૂતોએ જમીન આપવાની ના પાડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘોંચમાં પડ્યો હતો. જેમાં સાંસદ સી.આર.પાટીલ વળતર અંગે સુખદ ઉકેલ લાવ્યા હતા. ત્યારબાદ એક્સપ્રેસ હાઇવે જમીન સંપાદનમાં પણ ખેડૂતોને બુલેટ ટ્રેનમાં અપાયેલા વળતર જેટલું જ વળતર જોઈતું હતું. ત્યારે પણ સી.આર.પાટીલે મધ્યસ્થી કરીને એકપ્રેસ હાઇવેમાં ખેડૂતોને બજાર ભાવ અપાવ્યો હતો. ત્યારે હાલમાં ખોટા દસ્તાવેજ ઉભા કરીને વળતર મેળવવા મુદ્દે ખેડૂતોએ સાંસદ સી.આર.પાટીલ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ કરવા માટે ભલામણ કરતા ખેડૂતોએ સાંસદની કામગીરીની પ્રશંસા કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.