નવસારીમાં વેસ્મામાં રહેતા અને ધોરણ-11મા અભ્યાસ કરતા હળપતિ સમાજનો 15 વર્ષીય તરૂણ કોઈને કહ્યા વગર જતો રહેતા આજદિન (19 દિવસ) સુધી પત્તો મળ્યો નથી. પોલીસને આ બાબતે મહારાષ્ટ્રમાં હોવાની માહિતી મળતા એક ટીમ જુવેનાઇલ રિમાન્ડ હોમમાં તપાસ કરવા ગઈ હોવાનું તપાસકર્તા અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું.
પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ નવસારીના વેસ્મામાં રહેતા 15 વર્ષીય તરૂણ 24મી જુલાઈએ તેમના ઘરેથી શાળાએ જવા નીકળ્યો હતો. ગામમાં આવેલી પોસ્ટ ઓફિસ પાસે તેણે પોતાના મોબાઈલમાં બધું ડીલીટ કરીને તેના મિત્રને આપ્યો હતો. જોકે વેસ્માનો તરૂણ ગુમ થયા બાદ પોલીસમાં જાણ થતાં પોલીસે મોબાઈલ લોકેશનના આધારે આ મોબાઈલ ગુમ થનારના દોસ્ત પાસે જ મળી આવ્યો હતો. પોલીસે આ મોબાઈલ એફએસએલમાં મોકલી આપ્યો હતો. જ્યાં હજુ તેના ડેટા મળ્યા નથી.
જેથી ડેટા રિકવર કરે તેવું સોફ્ટવેર મંગાવ્યું હોવાની માહિતી પોલીસે આપી છે. તપાસ દરમિયાન આ તરુણ મુંબઈ તરફ ગયો હોવાની માહિતી મળ્યાં બાદ નવસારી પોલીસની ટીમ મહારાષ્ટ્રના બાળ રિમાન્ડ હોમની મુલાકાત લઈ તપાસ હાથ ધરી હોવાની માહિતી વેસ્મા પોલીસે આપી છે. પોલીસ તેમની કામગીરીમાં સફળ થાય અને તરૂણને હેમખેમ લાવે તેવી આશ બંધાઇ છે.
હળપતિ સેવા મંડળે આવેદનપત્ર આપ્યું
વેસ્માના 15 વર્ષીય સગીર શાળાએ જવાનું કહ્યા બાદ ગુમ થયાની ઘટના બાબતે સગીરના સ્વજનોએ હળપતિ સમાજ સેવા મંડળના સથવારે કલેકટરને ગંભીરતાપૂર્વક તપાસ કરી પરિવારની ચિંતા દૂર કરવા આવેદનપત્ર આપ્યું હતું.
3 રિમાન્ડ હોમમાં પણ શોધખોળ કરાશે
સગીર ગુમ થયા બાદ પોલીસે દરેક તબક્કામાં શોધખોળ ચાલુ રાખી છે. જેમાં મોબાઈલ એફ.એસ.એલ.માં મોકલવાથી માંડી તેના સ્વજનો સાથે નિવેદન લેવાની કામગીરી કરી છે. અગાઉ રિમાન્ડ હોમની મુલાકાત દરમિયાન સુરતના નિયોલ ગામના એક સગીરની શોધખોળ કરતા સુરત પોલીસમાં જાણ કરતા એક સગીર મળી આવ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે અને પાલઘરમાં આવેલા બાળ રિમાન્ડ હોમમાં તપાસ માટે નવસારી પોલીસ ટીમ ગઈ છે. > પી.વી.પાટીલ, પીએસઆઈ, નવસારી ગ્રામ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.