નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી હતી. જેમાં નવસારી શહેરમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા જલાલપોરના લીમડાચોકથી સમગ્ર શહેરમાં સૂત્રોચ્ચાર સાથે બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરગામમાં જનતા હાઈસ્કૂલમાં બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી સૂત્રોચ્ચાર બોલ્યા હતા. BTTS દ્વારા વાડ ગામે જિલ્લાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ચીખલીના સુરખાઈમાં રેલી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે ખાણીપીણીના સ્ટોલનું આયોજન કરાયું હતું. વાંસદામાં સરકારી અધિકારીઓની ઉપસ્થિતિમાં 598 લાભાર્થીને 82.36 લાખની સહાય આપવામાં આવી હતી.
એક તીર એક નિશાન આદિવાસી એક સમાન જેવા સૂત્રોચ્ચારથી નવસારી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંબાજીથી લઈને ઉંમરગામના 13 આદિવાસી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી શહેરમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા બાઈક રેલીનું આયોજન કરાયું હતું.
સવારે જલાલપોરના લીમડાચોક પાસે 300થી વધુ બાઈક પર ભગવાન બિરસા મુંડાની તસ્વીર ટેમ્પોમાં આગળ મૂકીને સૂત્રોચ્ચાર કરતા જલાલપોરથી નીકળી રિંગરોડ વિરાવળ થઈને લુન્સીકૂઈ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને વંદન કરી રાજમાર્ગો પર સૂત્રોચ્ચાર કરતી નીકળી હતી. આદિવાસી સમાજના ભરમદેવના મંદિરે આદિવાસીઓ એકત્ર થયા હતા અને ત્યાં ભેગા થઈ તૂર અને થાળી વગાડીને આદિવાસી નૃત્ય કર્યું હતું. બાદમાં ગોહિલ હોસ્પિટલ પાસે આવેલી આદિવાસી જનજાગૃતિ સમિતિની ઓફિસ પાસે આવી રેલી સંપન્ન થઈ હતી.
ચીખલીના ધોડિયા સમાજ ભવન સુરખાઈમાં તાલુકાનું સંમેલન યોજાયું હતું. જેમાં ધારાસભ્ય અનંત પટેલ, રૂઢિગત પ્રથાના મુખી રમેશભાઈ પટેલ, એડવોકેટ પરેશ વાટવેચા સહિત આદિવાસી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ગામેગામથી આદિવસી વાજિંત્રો સાથે રેલી સ્વરૂપે ભવન આવ્યાં હતા. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆતમાં ડાંગના બે યુવાનના ચીખલીમાં કસ્ટોડીયલ ડેથ થતા તેમને અને કોરોના મહામારીમાં આદિવાસી સમાજના મૃત્યુ પામનારાઓ માટે બે મિનિટનું મૌન પાળી જોહાર શાંતિ આપવામાં આવી હતી.
આદિવાસી દિનની ઉજવણી શા માટે, આદિવાસીઓના હક અને અન્ય અધિકારો વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું. વિસરાઈ ગયેલા ખાણીપીણીના સ્ટોલ પણ હતા. ખેરગામ જનતા હાઈસ્કૂલ પાસે આદિવાસી સમાજના અગ્રણીઓ ભેગા થઈને આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર કરાવી જય આદિવાસી, જય જોહાર, બિરસા મુંડા કી જયના નારા બોલાવ્યાં હતા. BTTS દ્વારા વાડ ગામે જિલ્લાનો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું, ત્યારબાદ વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા બાઈક-કાર રેલી સ્વરૂપે ખેરગામમાં ફરી હતી.
ખેરગામ તાલુકા સેવા સદનમાં સરકારી કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય વિતરણ કરાઈ હતી. વાંસદામાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે મોટી ભમતીમાં આદિવાસી લાભાર્થીઓને સામાજિક ન્યાય મંત્રી ઈશ્વરભાઈ પરમારની ઉપસ્થિતમાં સરકારી યોજનામાં 598 લાભાર્થીને 82.36 લાખની સહાય આપવામાં આવી હતી. આદિવાસી સમાજના કનસરી માતા, બિરસા મુંડા, ભારતમાતાનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ માટે થાય છે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી
ઈ.સ. 1945માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO)ની સ્થાપના થઈ હતી. UNO એ વિશ્વમાં જાતિ, લિંગ, ભાષા, ધર્મ કે, અન્ય ભેદભાવોથી પર રહી સૌને મૌલિક અને માનવીય અધિકારો મળે તેમજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ સમાજ’ની ભાવના જન્મે તે માટે વૈશ્વિક કક્ષાએ વિશ્વશાંતિ, શિક્ષણ, આરોગ્ય, પોષણ, પર્યાવરણ તેમજ કુદરતી આપત્તિ સમયે મદદ-સહાય જેવા અનેક મુદ્દા પર અસરકારક કાર્યો કરવા માટે UNO દ્વારા ઈ.સ. 1982માં 9મી ઓગસ્ટે સમિતિની રચના કરેલી અને તે પછી UNO દ્વારા વિકાસ અને પર્યાવરણીય સંકટ પર વ્યાપક ચર્ચા-વિચારણા કરવા ઈ.સ. 1992માં બ્રાઝિલમાં સંયુક્ત રાષ્ટ્ર સંઘ (UNO) દ્વારા ત્રીજી પૃથ્વી પરિષદ (Earth Summit)નું આયોજન કરવામાં આવ્યું હતું.
3 જૂનથી 14 જૂન 1992 દરમિયાન થયેલ UNO પરિષદમાં પ્રથમ વખત વિશ્વમાંથી વ્યાપક પ્રતિસાદ મળતા ભારત સહિત દુનિયાના 68 દેશના 400 જેટલા આદિવાસી આગેવાનોએ રિઓ- ડી જોનેરોના કેરીઓકો ગામમાં ત્રણ દિવસ સુધી પૃથ્વી અને આદિવાસીઓના અસ્તિત્ત્વ પર તોળાઈ રહેલ ભય અને આદિવાસી તેમજ પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે ઘનિષ્ઠ ચર્ચા-વિચારણા કરી પોતાના અભિપ્રાયો મુખ્ય UNO પરિષદ સામે રજૂ કર્યા જેને મંજૂરી મળતા આ દિવસ ઉજવાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.