સોશિયલ મીડિયાની ઉજળી બાજુ:નવસારીની વૃદ્ધ મહિલા માટે દૂત બનીને આવ્યા સામાજિક કાર્યકર્તા, જર્જરિત ઘરને મજબૂત રહેવાલાયક બનાવ્યું

નવસારીએક મહિનો પહેલા

નવસારીના એંધલ ગામે વોટ્સએપ ગ્રુપના માધ્યમથી માનવતાનું કાર્ય થયાનું ઉત્તમ ઉદાહરણ યુવાનોએ પુરૂં પાડ્યું છે. જેમાં એક 75 વર્ષીય વૃદ્ધા અતિ જર્જરિત ઝૂંપડામાં રહેતી હતી અને તે ગમે ત્યારે જમીનદોસ્ત થાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેની જાણ સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં કરતા સામાજિક સેવા કરતા સભ્યોએ આ વૃદ્ધાનું ઘર રહેવાલાયક બનાવી આપતા ચારેકોર સેવાકિય ગ્રુપની કામગીરી બિરદાવાઈ રહી છે.

આજના જમાનામાં સોશિયલ મીડિયામાં મોટાભાગે રાજકીય કિનનાખોરી -એકબીજાને ઉતારી પાડવું અને નકારાત્મક બાબતો વધુ વાયરલ થતી જોવા મળે છે. ત્યારે નવસારીના એક સામાજિક સેવા કરતી યુવા સભ્યની ટીમે સોશિયલ મીડિયાને જ સેવાનું માધ્યમ બનાવ્યું છે. ગણદેવીના એંધલ ગામે કાર્યરત આદિવાસી સમાજ સેવા ગ્રુપના સભ્યોને કાઝીવાડ ફળિયાના યુવકો દ્વારા તેમના વિસ્તારમાં એકલી રહેતી વૃદ્ધા રતનબેન હળપતિના ઘર અંદરથી કેવું છે.તેનો વીડિયો સોશિયલ મીડિયા ગ્રુપમાં મૂક્યો હતો. વૃદ્ધાના તૂટેલા ઘરનો વીડિયો સોશિયલ મીડિયામાં જોઈને સભ્યોએ ઘરને બનાવી આપવાનો નિર્ણય કર્યો. તરત જ ગ્રુપના અગ્રણીઓએ આ બાબતે પૂછપરછ કરી વૃદ્ધાના ઘરે જઈ તપાસ કરી બીજા જ દિવસે આ ગ્રુપના યુવાનોએ ફાળો ઉઘરાવી શ્રમદાન કરી 12 દિવસમાં વૃદ્ધા સારી રીતે રહી શકાય તેવી વ્યવસ્થા સરકારી સહાય વિના કરી આપી હતી.

સેવાકીય ગ્રુપના સભ્યો રણજીત હળપતિએ જણાવ્યું હતું કે, લોકોના મોં ઉપર ખુશી એજ અમારા ગ્રુપનો ઉદ્દેશ છે. અમારા વિસ્તારના નવયુવાનોનું ગ્રુપ મારફતે સેવાના કામો પણ થઈ રહ્યા છે. 18થી વધુ જરૂરિયાતમંદ લોકોને એક માસ સુધી ચાલે તેવી રાશન કીટ પણ ગ્રુપના સભ્યોના ફાળાથી આપવામાં આવે છે. હાર્ટના પ્રોબ્લેમ ધરાવતા અને એકલા રહેતા વૃદ્ધને હોસ્પિટલમાં લઈ જવાની સેવા પણ કરે છે. સહાયથી વંચિત લોકોના મુખ પરનો આનંદ એ જ અમારા ગ્રુપનો ઉદ્દેશ છે.

અન્ય સમાચારો પણ છે...