જમીન સંપાદનનો વિરોધ:ભારતમાલા પ્રોજેક્ટ માટે સરકારે ખેડૂતોની જમીનમાં કાચી નોંધ પાડી દેતા ઉગ્ર રોષ, વાસંદામાં ધારાસભ્યની આગેવાનીમાં રેલી યોજી વિરોધ

નવસારી14 દિવસ પહેલા
  • મામલતદાર કચેરીમાં કાચી નોંધ રદ્દ કરવાની માગ સાથે મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યુ
  • માંગણી સંતોષવામાં નહી આવે તો આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી

નવસારીમાંથી પસાર થનારા ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત એક્સપ્રેસ વેની જમીન સંપાદન પ્રક્રિયા હાલ ચાલી રહી છે. જેમાં વાંધા અરજીઓની સુનાવણી પૂર્વે જ વાંસદાના અસરગ્રસ્ત ખેડૂતોની જમીનોમાં કાચી નોંધ પાડી દેવાની જાણ થતા જ આજે કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં અસરગ્રસ્તોએ રેલી કાઢી વાંસદા મામલતદાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તેમજ કાચી નોંધ રદ્દ કરવાની માગ કરી છે. સાથે જ આંદોલનને ઉગ્ર બનાવવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

અસરગ્રસ્તોની વાંધા અરજી મંગાવવામાં આવી હતી
ભારત સરકાર નવસારી-નાસિક-એહમદનગર-ચેન્નઈ સુધીનો એક્સપ્રેસ વે ભારતમાલા પ્રોજેકટ હેઠળ બનાવવા જઇ રહી છે. જે માટે જમીન સંપાદનની પ્રક્રિયા શરૂ કરી નવસારીના 27 ગામડાઓના અસરગ્રસ્ત ખેડૂતોની વાંધા અરજી મંગાવવામાં આવી હતી અને એના ઉપર ગત 25 થી 28 જુલાઈ દરમિયાન લોક સુનાવણી પણ થઈ હતી. પરંતુ તંત્ર દ્વારા સુનાવણી પૂર્વે 15 જુલાઈના રોજ વાંસદાના 9 ગામોના અસરગ્રસ્તોની જમીનોની 7/12 અને 8 અ માં કાચી નોંધ પાડવામાં આવી હોવાનું વાંસદાના અસરગ્રસ્તોને ધ્યાને આવતા જ તંત્ર અને સરકાર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

અસરગ્રસ્તોએ થાળી વગાડી વિરોધ દર્શાવ્યો
આજે વાંસદા સર્કિટ હાઉસ ખાતેથી કોંગી ધારાસભ્ય અનંત પટેલ અને આદિવાસી આગેવાનો સાથે અસરગ્રસ્તોએ રેલી કાઢી હતી. રેલીમાં મહિલાઓએ થાળી વગાડી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા. રેલી મામલતદાર કચેરીએ પહોંચ્યા બાદ મામલતદાર મનસુખ વસાવા સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. તેમજ મામાલતદાર ઓફિસમાં આદિવાસી વિસ્તારમાં જમીનમાં કાચી નોંધ કેવી રીતે પાડી તેવો સવાલ કર્યો હતો. જેમાં મામલતદારે હુકમના આધારે નોંધ પાડી હોવાનો જવાબ આપતા, અસરગ્રસ્તોએ થાળી વગાડી વિરોધ દર્શાવ્યો હતો.

ઉપરી અધિકારીના ઓર્ડર આધારે નોંધ પાડી હોવાનો રાગ આલપ્યો
ધારાસભ્ય અનંત પટેલે જમીન સંપાદન અધિકારી અને નવસારીના પ્રાંત અધિકારીને ફોન કરી કાચી નોંધ મુદ્દે વાત કરતા વાંધા રજૂ કરો, પાછળથી નોંધ રદ્દ પણ થઈ શકેની વાત કરતા, અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાના વાંધા રજૂ કર્યા હતા. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત વાંસદાના અસરગ્રસ્તોની જમીનમાં કાચી નોંધ પાડવા મુદ્દે મામલતદારે ઉપરી અધિકારીના ઓર્ડર આધારે નોંધ પાડી હોવાનો રાગ આલપ્યો હતો. જેમાં વાંધા વિરોધ રજૂ કર્યા બાદ જો ઉપરથી ઓર્ડર થાય, તો ફરી નોંધ રદ્દ થઈ શકે છે અને જમીન મૂળ સ્થિતિમાં આવી જવાની કેફિયત પણ દર્શાવી હતી. જ્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે જમીનના દસ્તાવેજોમાં પડેલી કાચી નોંધ રદ્દ નહીં થાય, તો મામલતદાર ઓફિસને તાળા મારવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી. ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત એક્સપ્રેસ વે બનાવવાનો આદિવાસીઓ ઉગ્ર વિરોધ કરી રહ્યા છે, ત્યારે સરકાર દ્વારા પણ જમીન સંપાદનની કાર્યવાહીને વેગ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...