તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાંસદાની આધુનિક શાળા:આ કોઇ સિટીની નહીં પણ અંતરિયાળ ગામની સ્કૂલ છે, શાળામાં શરૂ કરાઈ છે એક ન્યૂઝ ચેનલ, જ્યાં આદિવાસી બાળકો જ કરે છે એન્કરિંગ

નવસારી21 દિવસ પહેલાલેખક: હિતેષ સોનવણે
  • સમગ્ર મહિનામાં શાળામાં થતી પ્રવૃત્તિના ન્યુઝ લાઈવ થાય છે
  • 2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી

નવસારી શહેરની શાળાઓ ફાઇસટાર કલ્ચરમાં વિકસી રહી છે, ત્યારે શહેરના બાળકો હવે ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ સાથે કોમ્પીટ કરી શકે તે માટે તેમને ડગલેને પગલે ભૌતિક સુવિધા આપવા માટે શાળાઓમાં હરીફાઈ શરૂ થઈ છે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના અંતરિયાળ ગામમાં આદિવાસી બાળકોનો ભય દૂર કરવા માટે શાળામાં એક ન્યૂઝ ચેનલ શરૂ કરી છે.

બાળકો લિફ્ટમાં બેસવાથી ગભરાતા હતા
વર્ષો પહેલા શાળાના આચાર્ય વિદ્યાર્થીઓને લઈને નવસારીમાં એક સાયન્સ ફેરમાં લાવ્યાં હતા, ત્યારે બાળકોએ તેમના જીવનમાં સૌપ્રથમ વખત એપાર્ટમેન્ટ અને લિફ્ટ જોઈ હતી. બાળકો લિફ્ટમાં બેસવાથી ગભરાઇ રહ્યા હતા, ત્યારે આચાર્યને જાણીને નવાઈ થઈ કે આ બાળકો મુખ્ય ધારાથી અલગ છે અને તેમનામાં કલ્પનાશક્તિ અને ક્રિટીવીટી વધારવા કંઈક અલગ કરવાની જરૂર છે અને શરૂ થઈ ન્યૂઝની કામગીરી.

દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો
2017માં શાળાના સંચાલકો દ્વારા રંગપુર ન્યુઝ નામથી યૂટ્યૂબ ચેનલ મારફત ન્યૂઝ ચેનલની શરૂઆત કરી હતી. આ ન્યૂઝની લીંક શાળા દ્વારા દરેક વાલીઓને સેન્ડ કરવામાં આવે છે. જેથી તેઓ પોતાના બાળકનું પ્રોગ્રેસ પણ જોઈ શકે. શાળામાં ન્યૂઝ ચેનલની તર્જ ઉપર દાતાના સહયોગથી સ્ટુડિયો ઉભો કરવામાં આવ્યો છે. જેમાં ક્રોમા પડદો અને કેમેરા સેટઅપ લગાવવામાં આવ્યો છે. બાળકો મહિના દરમ્યાન થયેલા કાર્યક્રમ અને આયોજનના ન્યૂઝ બનાવી સોશ્યલ મીડિયામાં પ્રસિદ્ધ કરે છે.

1954માં શરૂ થયેલી આ શાળા ગ્રાન્ટેડ છે
શાળામાં કુલ 189 જેટલા બાળકો હાલમાં અભ્યાસ કરે છે અને 6 શિક્ષકો ફરજ બજાવે છે. 1954માં શરૂ થયેલી આ શાળા ગ્રાન્ટેડ છે. સાથે જ આ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નેશનલ ફેરમાં પોતાની કૃતિઓ રજૂ કરીને તેને માન્યતા પણ મેળવી છે. શાળા વિજ્ઞાનના મોડેલ બનાવીને ઓછામાં ઓછા ખર્ચામાં વિજ્ઞાનના પ્રયોગોના સાધનો થકી વિદ્યાર્થીઓ વિજ્ઞાનના કોયડા ઉકેલી રહ્યાં છે.

શાળના શિક્ષકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી
વિજ્ઞાનના પ્રયોગમાં નરી આંખે ન દેખાતી જીવને જોવા માટે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય છે, ત્યારે બજારમાં આશરે 8000 માં મળતો માઇક્રોસ્કોપની સામે આ શાળાએ માત્ર 499 નજીવા દરે વેસ્ટ માંથી બેસ્ટ બનાવેલું માઈક્રોસ્કોપ દ્વારા વિદ્યાર્થીઓ સરળતાથી વિજ્ઞાનની માહિતી મેળવી રહ્યા છે. આવી અનેક પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓ કલ્પનાશીલ બનાવવા માટે શાળના શિક્ષકોએ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

બાળકો સામાન્ય રીતે ગુજરાતી વર્ણમાળામાં જે સૌથી સરળ શબ્દો હોય છે. તેની બોલવાની શરૂઆત કરતા હોય છે, ત્યારે શાળાના ક્રિએટિવ શિક્ષકોએ મોરબીમાં ગુજરાતી વર્ણમાલાની વિશિષ્ટ ટાઇલ્સ બનાવડાવીને ક્લાસરૂમના દિવાલ પર ચળવા માટેની તૈયારી શરૂ કરી છે. આ કોન્સેપ્ટ મુજબ બાળકો પોતાની ચારે તરફ ગુજરાતી વર્ણમાલાને જોઈ શકશે અને વહેલી તકે ગુજરાતી ભાષાનું પ્રાથમિક જ્ઞાન મેળવી શકશે.

શાળાના બાળકો આધુનિક સ્કૂલના બાળકોને પણ આપે છે ટક્કર
ઘરમાં બજેટનો સૌથી મોટો હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચવામાં આવે છે. કારણ કે, વાલીઓની ચિંતા હોય છે કે ક્યાંક તેમનું બાળક હરીફાઈમાં પાછળ ન રહી જાય તેની માટે લખલુટ ફી શાળાને ધરવામાં આવે છે. છતાં પણ ભણવાની કે આગળ વધવાની જવાબદારી વિદ્યાર્થીઓના માથે જ હોય છે. તેવી પરિસ્થિતિમાં રંગપુરની આ શાળા નાના બાળકો કોઈપણ આધુનિક સ્કૂલના વિદ્યાર્થીઓને ટક્કર આપી શકે તેવા માહોલમાં ભણીને આગળ વધી રહ્યા છે અને કલ્પનાશીલ પણ છે.

દરેક વિદ્યાર્થીનો સ્ટેજ ફીયર દૂર થયો
શાળાના આચાર્ય નીતિન પાઠકના જણાવ્યાં મુજબ શાળામાં દરેક વિદ્યાર્થીઓને વારાફરતી પ્રાર્થના કરવાની હોય છે. ત્યારે મોટાભાગે વિદ્યાર્થીઓ વારો આવે ત્યારે રજા પાડતા હતા, ત્યારે અમે તેમને મોબાઇલમાં ઓડિયો રેકોર્ડિંગ કરીને લેતા હતા. ત્યારબાદ અમે વિડિયો રેકોર્ડિંગ કરીને તે પ્રાર્થના ચલાવતા હતા પણ ધીરે ધીરે અમે શાળામાં થતી પ્રવૃત્તિના ન્યુઝ બનાવવાના શરૂ કર્યા અને હવે દરેક વિદ્યાર્થીનીનો સ્ટેજ ફીયર દૂર થયો છે અને હવે તેઓ પણ ન્યુઝ બનાવવા માટે ઉત્સાહી રહે છે.

વિદ્યાર્થીઓમાં રહેલો ડર દુર થયો
વિદ્યાર્થીની પ્રિયાંશી માહલાના જણાવ્યાં મુજબ પહેલા તે પ્રાર્થના બોલવામાં ખૂબ ગભરાતી હતી પણ જ્યારથી શાળામાં સમાચાર વાંચવાની શરૂઆત થઈ ત્યારથી તેમનામાંથી ડર દૂર થયો છે અને તેના સમાચારો મમ્મી-પપ્પા પણ જોઈ છે. હવે તેને કોઈ પણ સ્પર્ધામાં ડર લાગતો નથી અને તે ઉત્સાહથી ભાગ લઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...