જંગલી ભૂંડનો આતંક:ખેરગામમાં ચારો લેવા ગયેલી આધેડ વયની મહિલા ઉપર ભૂંડોએ હૂમલો કરતા ખેતરમાં જ મહિલાનું મોત

નવસારી7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પગ-શરીરના ભાગે ગંભીર ઇજા થયા બાદ મહિલાના વાડીમાં જ રામ રમી ગયા

નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં જંગલી ભૂંડનેને કારણ ખેતીના પાક ઉપર મોટું નુકસાન થવાની ફરિયાદ ખેડૂતો કરતા આવ્યા છે. પરંતુ હવે જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે તેના કારણે લોકોના જાનમાલને પણ નુકસાન પણ થઈ રહ્યું છે. નવસારી તાલુકાના ખેરગામમાં ગઈકાલે મંગળવારે સાંજે વાડીમાં ચારો લેવા ગયેલી આધેડ વયની મહિલા ઉપર જંગલી ભૂંડોના ઝૂંડે હુમલો કરતાં પગ અને શરીરના ભાગે ગંભીર ઇજા થયા બાદ મહિલાના વાડીમાં જ રામ રમી ગયા હતા.

ખેરગામના પટેલ ફળિયામાં રહેતી 65 વર્ષીય વિજયા અમૃત નાયકાને પરિવારમાં બે છોકરાઓ છે, જે પૈકી એક પુત્ર મહેશ અને માતા ચારો કાપવા માટે અલગ અલગ વાડીમાં ગયા હતા. જ્યાં દીકરા મહેશે વાડીમાંથી ચારો લાવીને ઘરે આવ્યા બાદ માતાનો પત્તો ન લાગતાં તેની શોધખોળ કરી હતી. ત્યારે આશરે આઠ વાગ્યે માતાની લાશ વાડીમાં જોઈ હતી. ત્યારે તેઓ તાત્કાલિક માતાને ગણદેવી આરોગ્ય કેન્દ્રમાં લઇ ગયા હતા. જ્યાં મહિલાને ડોક્ટરોએ મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી.

છેલ્લા અનેક સમયથી ખેતીમાં વાવેલા માલને ભૂંડ નુકસાન પહોંચાડી રહ્યા છે, જેની ફરિયાદ વર્ષોથી થતી આવી છે. પરંતુ વનવિભાગે આ મામલે કંઈ ખાસ ધ્યાન ન આપતાં આજે એક મહિલાને પોતાના જીવથી હાથ ધોવો પડ્યો છે. ત્યારે સમગ્ર મામલે ખેતીવાડી વિભાગ અને વનવિભાગ સંયુક્ત કામગીરી કરી ખેડૂતોને ભૂંડના ત્રાસમાંથી મુક્તિ અપાવે તેવી માંગ કરવામાં આવી રહી છે.

ખેતી પાકને પણ અવારનવાર નુકસાન કરે છે
ભૂંડને કારણે એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, ત્યારે તે ઝૂંડમાં હોય ત્યારે તેવા સંજોગોમાં ખેતીપાક માટે પણ મોટું જોખમ ઉભુ કરે છે. ઉભા પાકને આ ભૂંડના ઝૂંડ આડો પાડી ભારે નુકસાન કરે છે. ખાસ કરીને ડાંગર, શાકભાજી જેવા પાકોમાં ભારે નુકસાન ખેડૂતોએ સહન કરવું પડે છે.

ભૂંડ મોટેભાગે ઝૂંડમાં જ રહેતા હોય તેની સામે ટક્કર ઝીલવુ પણ ખેડૂતો માટે હવે મુશ્કેલ થઇ રહ્યું છે. પૂર્વ પટ્ટીના ગામોમાં ભૂંડની બૂમરાણ ઉઠી છે. વહેલી તકે આ ભૂંડને નાથવા માટે તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવે તેવી પણ લોકમાંગ ઉઠી છે, પરંતુ તે અંગે હજુ સુધી કોઇ નક્કર કામગીરી કરાઇ નથી. જેના કારણે પણ ભૂંડનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...