દક્ષિણ ગુજરાત અને તેમાં પણ નવસારી જિલ્લામાં દિપડો દેખાવાના બનાવો હવે આમ વાત બની છે. દર બીજા ત્રીજા દિવસે રોડના કિનારે દીપડો દેખાવાના વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, ત્યારે ફરીવાર ચીખલી તાલુકાના ખૂંધ ગામે દીપડો ઝાડની ટોચ પર જઈ બેસતા ગ્રામજનોએ પત્થર, ગીલોલ અને ચિચિયારી પાડતા દીપડો હેરાન થઈ ઝાડ પરથી નીચે ઉતરી નાસી છૂટ્યો આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
ખૂંધ ગામના માલવણીયા ફળિયામાં આવેલા વૃક્ષ પર દીપડો જઈ બેઠો છે તેવી વાત ગ્રામજનોમાં વાયુવેગે પ્રસરતા તેઓ તેને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડ્યા હતા.કેટલાક ટીખળખોળ ગ્રામજનોએ નીચેથી બૂમ પાડી હતી કે... 'નીચે આ જાઓ તુમ્હારી માંગે પુરી કી જાયેગી'.... આ વાત કહેતા જ સૌ કોઇમાં હાસ્યનું મોજુ ફેલાયું હતું. ટોળામાંથી કોઈકે ગીલોડ વડે તેને મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો તો કેટલાક બૂમ બરાડા પાડી રહ્યા હતા, તો વળી વીડિયોમાં એક સ્ત્રી અન્ય કોઈકને એવું કહેતા સંભળાય છે કે આવો આવો તેમાં કંઈ થાય નહીં. જો દીપડો વિફર્યો હોત ને કોઈ વ્યક્તિ પર હુમલો કર્યો હોત તો ગંભીર પરિણામ આવી શકત. પરંતુ આ બધી બાબતોથી બેખબર ગ્રામજનોએ દીપડાને પજવવાનું શરૂ રાખ્યું હતું અને નીચેથી મજાક મસ્તી કરી રહ્યા હતા. જે કદાચ ભારે પણ પડી શક્યું હોત.આ બધું ચાલતું હતું ત્યાં ઝાડની ટોચ પર બેસેલા દીપડાને ખલેલ પહોંચતા તે સાવચેતી પૂર્વક નીચે આવ્યો હતો અને જંગલ તરફ ભાગી ગયો હોવાના દ્રશ્યો વીડિયોમાં જોઈ શકાય છે.
દીપડા કેમ માનવ વસ્તી તરફ વધી રહ્યા છે
ડાંગ જિલ્લામાંથી ધીરે ધીરે દીપડાની પ્રજાતિ નવસારી જિલ્લા તરફ સ્થળાંતરિત થઈ રહી છે નવસારી જિલ્લામાં શેરડીના ખેતરોમાં દીપડાને હુંફ મળે છે તો સાથે જ પૂર્ણા કાવેરી અને અંબિકા નદીમાંથી પીવાના પાણીની જરૂરિયાત સંતોષાય છે ત્યારે પરિવાર સહિત દીપડાઓ અહીં મોટી સંખ્યામાં વસવાટ કરી રહ્યા છે. દીપડાઓ અત્યાર સુધી નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામડાઓમાં જ મોટી સંખ્યામાં જોવા મળતા હતા પરંતુ હવે પશ્ચિમ વિભાગના ગામડાઓમાં પણ દીપડાની દહેશત વધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.