ડાંગ જિલ્લાનાં વણઝારઘોડી ગામની આદિવાસી અને ગરીબ પરિવારની 12 વર્ષીય બાળકીને આહવાના સામાજિક આગેવાને નડિયાદનાં ટોળકી પાસેથી ઉગારી બાળ સુરક્ષા વિભાગને સોંપી સરાહનીય કામગીરી કરી હતી. ડાંગ જિલ્લાના ગામડાઓમાં આજે પણ લોકોના સ્વભાવમાં આવકાર, આદર ભાવના અને પ્રેમ વહે છે, તેવામાં અમુક ઈસમો આદિવાસીઓનાં ભોળપણ અને ગરીબીનો ગેરલાભ ઉઠાવી રહ્યાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
ડાંગ જિલ્લામાં વણઝાર ઘોડી ગામની અંદાજિત ઉંમર 12 વર્ષની બાળકીના વાલી વારસોને નડિયાદથી આવેલ ઈસમોએ મામુલી રકમની લાલચ આપી લગ્ન માટે તૈયાર કર્યા હતા અને આ નડિયાદના ઈસમો દ્વારા 12 વર્ષીય બાળકીના લગ્ન માટેનો સોદો કરી બાળકીને નડિયાદ લઈ જવા માટે આહવા બસ ડેપો પર ગયા હતા. વણઝારઘોડી ગામની 12 વર્ષીય બાળકીને લગ્નના ઈરાદાથી અમુક ઈસમો લઈ જઈ રહ્યાની જાણ આહવા તાલુકા પંચાયતના ન્યાય સમિતિના અધ્યક્ષ દિપકભાઈ પીંપળેને થતા તેઓ તુરંત જ આહવા બસ ડેપો ઉપર ધસી ગયા હતા.
અહીં આ નડિયાદનાં ઈસમો અને 12 વર્ષીય બાળકીની પૂછપરછ કરી તેઓએ તુરંત જ આહવા પોલીસ મથકે તથા બાળ સુરક્ષા અધિકારીને જાણ કરી હતી. અહીં અધિકારીઓની ટીમે દોડી આવી આ બાળકીના ઉંમર વિશે પૂછપરછ કરતા આ બાળકી હજુ લગ્ન માટે પરિપક્વ ન હતી. તેમ છતાં કોઈ દલાલ દ્વારા આ નડિયાદનાં ઈસમો સાથે સાંઠગાંઠ કરી ગરીબ બાળકીના વાલીઓને થોડા ઘણા પૈસાનું પ્રલોભન આપી લગ્નના બહાને વેચવાનું કાવતરૂ કર્યું હતું.
હાલમાં બાળ સુરક્ષા વિભાગ ડાંગ દ્વારા આ 12 વર્ષીય બાળકનો કબજો મેળવી તેના વાલી વારસોને યોગ્ય સમજાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાના આહવા તાલુકા પંચાયતના ચેરમેન દીપકભાઈ પીંપળેએ સમયસૂચકતા વાપરી ગરીબ પરિવારની આદિવાસી બાળકીને અજાણ્યા ઈસમોના ચુંગાલમાંથી આબાદ બચાવી લેતા તેઓની કામગીરીને ડાંગવાસીઓએ બિરદાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.