નવસારી-વિજલપોર પાલિકામાં વોર્ડ નંબર-5માં સમાવિષ્ટ કબીલપોરના કેટલાક વિસ્તારોમાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી તસ્કરની હરકત સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. જોકે એક-બે સોસાયટીમાં લોકો જાગી જતા આ ચડ્ડી-બનિયાનઘારીઓએ છૂટ્ટા પથ્થર મારતા લોકોમાં ભયની લાગણી પ્રસરી છે.
કબીલપોર પંથકમાં આવેલ વસંતવિહાર સોસાયટી, સૂર્યદર્શન સોસાયટી અને ધર્મિનનગર વિસ્તારમાં રવિવાર અને સોમવારની મધ્ય રાત્રિએ કેટલાક ઘરોમાં તાળા તૂટ્યા હોવાની માહિતી મળી છે. જેમાં એક સોસાયટીમાં કેમેરામાં કેદ થયેલા ચડ્ડી-બનિયાનધારી બંધ ઘરના તાળા તોડી ભાગવા જતા હતા. એ બાબત સોસાયટીમાં ખબર પડતાં સોસાયટીવાસીઓએ તેમનો સામનો કરતા ચડ્ડી-બનિયાનધારીઓએ સાથે લાવેલા પથ્થરોથી હુમલો કર્યો હતો.
જેના પગલે સોસાયટીમાં રહેતા લોકોએ પોલીસને જાણ કરતા રાત્રિ પેટ્રોલિંગ કરતી ગ્રામ્ય પોલીસ ઘટનાસ્થળે જઈ કાર્યવાહી કરી હતી અને સીસીટીવીના ફૂટેજો પણ નિહાળ્યા હતા. આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ભયની લાગણી પ્રસરી છે.
સોસાયટીની દિવાલ પર ચઢતા નજરે પડ્યા
15મીને રવિવારે રાત્રિના 12 વાગ્યાની આસપાસ વસંતવિહાર સોસાયટીમાં બંધ ઘરના તાળા તૂટ્યાની જાણ થતાં લોકોએ સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં એક જગ્યાએ 3થી વધુ ચડ્ડી-બનિયાનધારી દેખાયા હતા. તેઓ દિવાલ પર ચડનાર હતા ત્યારે સોસાયટીમાં લોકો જાગી જતા તેઓએ પથ્થર વડે હુમલો કર્યો હતો. બાજુમાં આવેલ સૂર્યદર્શન સોસાયટી અને ધર્મિનનગરમાં 4 બંધ ઘરને નિશાન બનાવતા પોલીસને જાણ કરી હતી. તેઓએ તપાસ કરી હતી પરંતુ પથ્થર વડે હુમલો કરતા હોય લોકોમાં ભયની લાગણી ફેલાઈ છે. - મયુર વહાણેચા, સ્થાનિક
ખબર પડતા જ રાત્રિ પેટ્રોલિંગ કરતી ટીમનું ધ્યાન દોરી તેમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી
અમને જાણ થતાં રાત્રિ પેટ્રોલિંગ કરતી પોલીસને મોકલાવી તપાસ કરાવી હતી. આ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવા માટે આદેશ આપ્યા છે. - કે.એલ.પટની, પીઆઈ, નવસારી ગ્રામ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.