એસટી ડેપોની કેન્ટીનમાં આગ:નવસારીના હંગામી એસટી ડેપોના નાસ્તાના સ્ટોલમાં આગ લાગી, ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થવાને કારણે બની ઘટના

નવસારીએક મહિનો પહેલા
  • સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ, સ્ટોલ સંચાલકને દોઢ લાખ જેટલું નુકસાન થવાનો અંદાજ
  • મોડી રાત્રે બની ઘટના, ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો
  • ઘટનામાં સદભાગ્યે કોઈને જાનહાનિ કે ઈજા થવા ન પામી

નવસારી એસટી ડેપો પરિસરમાં આવેલા નાસ્તાના સ્ટોલમાં આગ લાગતા રાત્રિના સમયે નાસભાગ મચી ગઇ હતી. જો કે તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની એક ગાડીએ આવીને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ આ સમગ્ર ઘટનામાં સ્ટોલ પર ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો. નોંધનીય છે કે નવસારી નગરપાલિકાએ ફાયરસેફ્ટીને લઈને કડક નિયમો અમલી બનાવ્યા છે. જો કે અઠવાડિયા અગાઉ વાજપાઇ શોપિંગ સેન્ટરમાં લાગેલી આગના બનાવમાં પણ ફાયરસેફ્ટીનો અભાવ જોવા મળ્યો હતો.

હાલમાં નવસારીનું હંગામી એસટી ડેપો વર્કશોપમાં કાર્યરત છે અને નવા એસટી ડેપોના મકાનનું બાંધકામ શરૂ છે. તેવામાં પાર્કિંગની જગ્યામાં કોઇપણ ફાયર સેફ્ટીના સાધનો વિના નાસ્તાનો સ્ટોલ ધમધમી રહ્યો છે. આ સમગ્ર મામલે જવાબદારી કોના શિરે છે તેને લઈને પણ પ્રશ્નાર્થ ઉભા થયા છે. આગના બનાવમાં કોઈ મુસાફરને ઈજા કે નુકસાન થયું હોત તો તેની જવાબદારી કોણ લેત તેવા પ્રશ્નો મુસાફરોમાં ઉઠવા પામ્યા હતા

સમગ્ર ઘટનામાં ફ્રિઝમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું કારણ બહાર આવ્યું હતું. જેને લઇને સ્ટોલ સંચાલકને દોઢ લાખ જેટલું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થવા પામી નથી. સમયસર ફાયર વિભાગે મોરચો સંભાળતા આગ કાબુમાં આવી હતી.

નવસારી એસટી ડેપોના મેનેજર વી.પી.રાવલના જણાવ્યા મુજબ વિભાગીય કચેરી દ્વારા પરવાનો મેળવી આ સ્ટોલ શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં સંચાલક ઘરે ગયા બાદ ફ્રીઝમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. તેને તાત્કાલિક તેમને જાણ થતાં તેમણે ડેપો પર આવીને આગ લાગવાના કારણને લઈને શોધ કરી હતી. જેમાં ફ્રિઝમાં થયેલા શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાનો બનાવ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું. ડેપોના કર્મચારીઓએ ફાયર સેફ્ટીના સાધનો વડે આગ ઓલવવાનો પ્રયત્ન કર્યો હતો. પણ આગ વિકરાળ હોવાથી ફાયર બ્રિગેડને બોલાવવાની ફરજ પડી હતી.

અન્ય સમાચારો પણ છે...