નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મંદિર ગામમાં આજે બપોરના સમયે રેતી ઠાલવતી સમયે ડમ્પર હાઈટેન્શન વીજલાઈનને અડી જતા બે મજૂરોના વીજકરંટ લાગવાથી મોત થયા હતા. ઘટનાના પગલે મૃતકોના પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો.
જલાલપોરના મંદિર ગામમાં આજે બપોરના સમયે એક ડમ્પર રેતી ઠાલવવા માટે આવ્યું હતું. જેમાં ત્રણ લોકો સવાર હતા. રેતી ઠાલવ્યા બાદ પાછળ આવેલી હાઈડ્રોલિક ટ્રોલી ઉપર કરવા જતા એક મજૂરનું માથું હાઈટેન્શન લાઈનને અડી જતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ હતું. તો અન્ય એક યુવાન પણ વીજળીના સંપર્કમાં આવતા તેનું મોત થયું છે સમગ્ર ઘટના બનતા મંદિર ગામ માં ખળભળાટ મચી ગયો હતો.જોકે ડમ્પર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
જલાલપોર પોલીસ દ્વારા બંને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યા હતા. બંને મજૂરોના મોત થતા પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. જલાલપોર પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભરૂચના વસાવા પરિવારનો માળો વિખેરાયો
ભરૂચના મીરાપુર ગામે રહેતા અવિનાશ રમેશ વસાવા (ઉ.વ. 22) તેમના મોટા ભાઈ અને 3 બહેન સહિત માતાપિતા સાથે રહેતો હતો. મજૂરીકામ કરતા અવિનાશનું મૃત્યુ થતાં તેના દાદા અને કાકા આવી જતા તેમના મોઢા ઉપર એક યુવાન બચી ગયા તો એકનું મોત
થયાનો રંજ હતો.
ફર્સ્ટ પર્સન - સંજય વસાવા : કેબિનમાં જોરદાર કરંટ લાગતા હું બહાર ફેંકાયો
રેતી ભીની હોય મોટાભાગ ની રેતી નીચે આવી ગઈ હતી. અમુક રેતી હોય તેને કાઢવા માટે અવિનાશ ગયો હતો. ડમ્પરનું ફાલકુ થોડું ઊંચું કર્યું હતું. જ્યાં વીજલાઈન બે ફૂટ ઊંચી હતી. અચાનક કરંટ લાગતા હું બહારની સાઈડ ફેંકાયો અને જોયું તો યોગેશભાઈ અને મારો ભાણેજ અવિનાશ બેભાન હાલતમાં હતા. ગ્રામજનો દોડી આવી તેમને હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હાઈટેન્શન લાઈનથી 2 ફૂટ દૂર હોય તો પણ કરંટ લાગી શકે
સામાન્ય રીતે ઘરગથ્થું વીજ લાઈન પસાર થતી હોય તે 8 મીટરની ઉંચાઈ સુધીની હોય છે. તેમાં 1 મીટર ખાડામાં અને વીજ થાંભલા ઉપર 7 મીટર ઊંચે વીજલાઈન નાંખવામાં આવે છે. જ્યારે HT લાઈન 11 મીટર સુધીની હોય છે અને 1 મીટર લાઈન જમીનમાં દાટવામાં આવે છે. આમ છતાં પરિસ્થિતિ કેવી છે તે પ્રમાણે લાઈન નાંખવામાં આવે છે. વીજળીના સુવાહક વસ્તુ 2 ફૂટદૂર હોય છતાં વીજ કરંટ લાગી શકે છે. >એમ.એન.ગામીત, કાર્યપાલક ઈજનેર, નવસારી DGVCL
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.