ગ્રામજનોએ ગોવાળને રેસ્ક્યૂ કર્યો:ડાંગની પૂર્ણા નદીમાં ગોવાળ ફસાયો, પાંચ કલાક સુધી ઝાડ પકડીને માંડ માંડ જીવ બચાવ્યો

નવસારી2 મહિનો પહેલા
  • પાંચ કલાક બાદ ગ્રામજનોએ પાણીનું વહેણ ઓછુ થતાં તેને બહાર કાઢ્યો

ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદનાં પગલે પૂર્વપટ્ટી વિસ્તારનાં કરંજડી કડમાળ નજીક પૂર્ણા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા નદીને પાર કરી રહેલો એક ગોવાળીયો પાણીમાં ફસાયો હતો. જે એક ઝાડને પકડી પાંચ કલાક બેઠા બાદ ગ્રામજનોએ પાણીનું વહેણ ઓછુ થતાં તેને બહાર કાઢ્યો હતો. ડાંગ જિલ્લાનાં ગામડામાં સતત બીજા દિવસે પણ પાછોતરો વરસાદ પડ્યો હતો. ગતરોજ પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ હતી. નદીમાં પૂરની સ્થિત સર્જાતા કરંજડી ગામનો ગોવાળ યોગેશભાઈ આહિર નદી કિનારે તેના પશુઓ ચરાવતાં પશુઓ પાણીમાં ફસાયા હતા.

જેને બચાવવા જતાં પોતે પણ પાણીમાં ફસાઇ ગયો હતો.ગોવાળ પાણીમાં ફસાઇ જતાં પટમાં આવેલા એક કરંજના વૃક્ષને પકડી લીધુ હતું. પાંચ કલાક બાદ પૂર્ણા નદીનાં પાણીનું વહેણ ઓછું થતા ગ્રામજનોએ આ ગોવાળને ઝાડ પરથી ઉતારી રેસક્યૂ કરી મહામહેનતે નદીમાંથી બહાર કાઢ્યો હતો. ગોવાળનાં તણાયેલા પાડા સહિત બકરા જેવા પશુઓને પણ ગ્રામજનોએ ઉગારી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના બાદ યોગેશ આહિરે ભગવાનનો પાળ માન્યો હતો અને જીવ બચાવનારા ગ્રામવાસીઓ સામે પણ આભારની લાગણી દર્શાવી હતી. અચાનક બનેલી ઘટનાથી યોગેશભાઇનો જીવ પણ અધ્ધર થઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...