કાર્યવાહી:પરિણીતા આપઘાત કેસમાં પતિ સહિતના સાસરિયા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બેનને પિયરે નહીં આવવા દઇ માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ

નવસારીમાં એરૂ રોડ પર આવેલા મહારાજા હાઇટ્સ એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ 16મીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બાબતે પરિણીતાના ભાઈને ખબર પડતાં તેણે પતિ અને તેમના સાસરીયા વિરુદ્ધ તેમની બહેનને વર્ષમાં માત્ર બેવાર આવવાનું જણાવતા અને ફોન ઉપર પણ પિયરમાં વાત નહીં કરવાનું જણાવી અવારનવાર માનસિક ત્રાસ આપતા હોવાથી બહેને આત્મહત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પતિ અને સાસરિયા વિરૂદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જલાલપોર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ભારતીય એરફોર્સમાં નોકરી કરતા અમિત ધનસિંગ જગતાપ (મૂળ રહે. પૂણે, મહારાષ્ટ્ર, હાલ રહે. આગ્રા)ની બહેન મયુરીના લગ્ન વર્ષ-2016માં ચંદ્રશેખર શિંદે (રહે. કોપરડે, જિ.સતારા, મહારાષ્ટ્ર) સાથે થયા હતા. લગ્ન બાદ મયુરી એક વર્ષ સાસરી કોપરડેમાં રહેતી હતી. એક વર્ષ દરમિયાન તેણી પોતાના પિયરમાં માત્ર બે વખત તહેવાર વખતે આવી હતી. એક કે બે દિવસ જ પોતાના પિયરમાં રહી પાછી સાસરે જતી રહેતી હતી.

તેમના બનેવી ચંદ્રશેખરે નવસારીમાં ભણતર કર્યું હતું અને ભણતર પુરૂં કર્યા પછી નવસારીમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં છેલ્લા સાત વર્ષથી પ્રોફેસર તરીકે નોકરી કરતા હોય મયુરી તેના લગ્નના એક વર્ષ સાસરામાં રહીને પછી પતિ સાથે રહેવા નવસારી આવી ગઈ હતી. લગ્નગાળા દરમિયાન સંતાનમાં એક દિકરો વરદ (ઉ.વ. 4) છે. ફરિયાદમાં વધુમાં જણાવ્યું કે તેમની બહેન મયુરીના લગ્ન થયા ત્યારથી અત્યાર સુધી તેણીને પોતાના પિયરમાં તથા કુટુંબીજનોને મળવા સારૂં જવાની ઇચ્છા હોવા છતાં તેના સાસરિયા તેને પિયરે આવવા દેતા ન હતા.

વર્ષમાં ફક્ત દિવાળીના તહેવાર વખતે એક જ દિવસ સવારથી સાંજ સુધી તેણીને પિયરે એકલીને મોકલી આપી સાંજે પાછી બોલાવી લેતા હતા. જેથી તેણીને પોતાના સગાસંબંધીઓને મળવાનું ઓછુ થતું હોય આ બાબતે મનમાં લાગી આવતા મયુરીએ સોમવારે ઘરે એકલી હતી ત્યારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

આ બાબતે તેણીના પતિ ચંદ્રશેખર શિંદે સહિત સાસરિયા વિરૂદ્ધ (તમામ રહે. મહારાષ્ટ્ર) વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા આપી હોય ફરિયાદ નોંધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. હવે પોલીસ શું ઘટના બની હતી તે અંગે પુરાવા એકત્ર કરી કેસમાં વધુ તપાસ હાથ ધરશે.

અન્ય સમાચારો પણ છે...