અકસ્માતના લાઈવ દૃશ્યો:નવસારીમાં ગુરુકુળ સુપા પાસે પૂર્ણા નદીના પાણીના પ્રવાહમાં તણાઈને આવી બોટ, લો લાઈન બ્રિજ સાથે ધડાકાભેર અથડાઈ

નવસારી3 મહિનો પહેલા
  • બોટમાં કોઈ સવાર ન હોવાથી જાનહાનિ ટળી

નવસારી જિલ્લામાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યાં છે. અંબિકા તેમજ કાવેરી નદી પણ ભયજનક સપાટીએ પહોંચી છે. આ વચ્ચે નવસારીમાં ગુરૂકૂળ સુપા પાસે પૂર્ણા નદીમાં લો લાઈન બ્રિજ સાથે એક બોટ અથડાઈ હતી. જેના લાઈવ દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા હતા. આ બોટ તણાઈને આવી હતી. જેમાં કોઈ લોકો સવાર હતા નહી. જેથી જાનહાનિ ટળી હતી. જોકે, બોટમાં ભારે નુકસાન થયું હતું.

ગુરૂકૂળ સુપા અને કુરેલ વચ્ચેનો સંપર્ક તૂટ્યો
રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અનેક નદી-નાળાઓ છલકાયા છે. નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે અનેક નદીઓમાં પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો છે. ત્યારે નવસારીમાં ગુરૂકૂળ સુપા પાસે પૂર્ણા નદીની જળસપાટીમાં ખુબ વધારો થયો હતો. જેથી એક બોટ તણાઈને આવી હતી. આ બોટ પૂર્ણા નદી પરના લો લાઈન બ્રિજ સાથે અથડાઈ હતી. પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને લઈ ગુરૂકૂળ સુપા અને કુરેલ વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.

જિલ્લામાં ધોધમાર વરસાદ
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં પણ છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેને લઈ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. તેમજ નદી-નાળા પણ છલકાયા હતા. જિલ્લાના વાંસદામાં સવા આઠ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઈ તારાજી સર્જાઈ હોય તેવું જોવા મળ્યું હતું. સૂરખાઈથી યાત્રાધામ ઉનાઈ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે ભક્તોને ભારે હાલાકી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...