તબીબ બન્યા દેવદૂત:નવસારી સિવિલ હોસ્પિટલમાં અધૂરા માસે જન્મેલી બાળકીને 72 દિવસ સારવાર આપી જીવનદાન આપ્યું

નવસારીએક મહિનો પહેલા
  • ખેતમજૂર પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી હોત તો 10 થી 15 લાખનો ખર્ચ થાત

હાલમાં તબીબી ક્ષેત્રે ભારત પણ વર્લ્ડ કલાસ લેવલની સારવાર આપવા સજજ થયું છે.રાજ્ય સરકાર સંચાલિત સરકારી હોસ્પિટલો પણ પ્રાઇવેટ હોસ્પિટલને ટક્કર મારે તેવી ઉચ્ચ ગુણવત્તાની સેવા આપીને જરૂરિયાત મંદ લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થતી હોય છે. ત્યારે નવસારી સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીશ્યન વિભાગે પણ કંઇક એવી જ કમાલ કરી છે. એક ખેતમજૂર પરિવારના બાળકને મોતમાંથી મુખ માંથી બહાર લાવવા પીડિયાટ્રીશન ટીમને 72 દિવસે સફળતા મળી છે.

નવસારીના ગણદેવી તાલુકાના ગઘોર ગામે રહેતા પ્રકાશભાઈ હળપતિની પત્ની હેતલને 24સપ્ટેમ્બર 2021ના દિવસે 28 અઠવાડિયે પ્રસૂતિ થતાં 730 ગ્રામ વજનની બાળકીને જન્મ આપ્યો હતો. બાળકીના જન્મ બાદ તે રડી ન હતી તથા તેની બચવાની શક્યતા નહિવત્ જણાતા તેને સૌ પ્રથમ ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં લાખો રૂપિયાનો ખર્ચો સાંભળતા જ ગરીબ પરિવાર ચિંતામાં મુકાયો હતો. જે બાદ પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવતા પીડિયાટ્રિશનની ટીમે તાત્કાલિક બાળકની સારવારની શરૂઆત કરી હતી ત્યારે તે સમયે બાળકના હૃદયના ધબકારા ખૂબ જ ઓછા હતા તથા શ્વાસ ફુલાતો હોવાથી બાળરોગ નિષ્ણાત ડોક્ટર ગુંજન પાટીલના માર્ગદર્શન હેઠળ તેમની ટીમે બાળકને કુલ 72 દિવસ ક્રિટીકલ કન્ડીશનમાં સારવાર આપીને જીવનદાન આપતા પરિવાર ડોક્ટરની ટીમનો આભાર માનતા થાકતો નથી.

બાળકને 12 દિવસ વેન્ટિલેટર પર તથા 54 દિવસ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. બાળક અધૂરા માસે જન્મેલું હોવાથી વજન ખૂબ જ ઓછું હતું. શ્વાસ વારંવાર બંધ થઈ જવો તથા તેમને ચેપ લાગવો શરીરમાં સુગર ઓછું થઇ જવું, લોહીની ટકાવારી ઓછી થઈ જવી, કમળો હદયની બીમારી આંખનો અપૂરતો વિકાસ જેવી તકલીફોનો સામનો ડોક્ટરોની ટીમને કરવો પડ્યો હતો. હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટરની સલાહ અને દેખરેખ ના લીધે 72 દિવસના અંતે બાળકનું વજન 1.2 KG કરતાં વધુ થતાં હાલ બાળક નોર્મલ બાળકની જેમ જીવી રહ્યું છે.

આવા જ પ્રકારની સારવાર જો પ્રાઇવેટ હોસ્પિટલમાં કરવામાં આવી હોત તો ઓછામાં ઓછા 10થી 15 લાખ જેટલો ખર્ચો પરિવારને ચૂકવવો પડયો હોત. પરંતુ સિવિલના નિષ્ણાત ડોક્ટરોની ટીમ ડોક્ટર ગુંજન પાટીલ, ડોક્ટર કમલેશ બારીયા, ડોક્ટર શશી પારેખ, ડોક્ટર અંકિતા નાયક અને ડોક્ટર બ્રિજેશ ગાઈન દ્વારા બાળકને હેમખેમ મોતના મુખમાંથી પરત લાવવામાં સફળતા મળી છે.

અન્ય સમાચારો પણ છે...