નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના એક ગામમાં વૃદ્ધે પોતાની પૌત્રીની ઉંમરની 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. શેરડીના ખેતરમાં રહેવા માટે બનાવેલા ડેલામાં એકાંતમાં ફિલ્મી ગીતો સાંભળવાની લાલચ આપીને વૃદ્ધ લાંબા સમયથી કિશોરી પર દુષ્કર્મ આચરતો હતો. વૃદ્ધની આ હેવાનીયતની જાણ કિશોરીના પરિવારને થતા તેઓએ વાંસદા પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે ગણતરીના દિવસોમાં વૃદ્ધની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાળકીઓ પર શારીરિક શોષણના ગુનામાં સતત વધારો
ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા લાંબા સમયથી નાની બાળકીઓને વિવિધ પ્રકારની લાલચ આપીને તેનું શારીરિક શોષણ થતું હોવાના કિસ્સાઓ પોલીસ ચોપડે વધી રહ્યા છે. ત્યારે ફરિવાર આવો જ એક કિસ્સો વાંસદા તાલુકાના ગામડામાંથી સામે આવ્યો છે.
માતા-પિતા ઘરે હાજર ન હોય વૃદ્ધે ઘટનાને અંજામ આપ્યો
વાંસદા તાલુકાના એક ગામમાં માતા-પિતા મજૂરીકામ અર્થે ઘરેથી નીકળી ગયા બાદ ઘરમાં બાળકો એકલા રહેતા હોય ત્યારે એક દિવસે માતા બપોરે જમવા ઘરે આવતા પોતાની દીકરીના માથાના વાળ અને પાછળથી કપડાં એકદમ દૂળવાળા હતા. જેથી માતાએ સગીરાને કયા ગઈ હતી એવું પૂછ્તા તેના જવાબમાં કિશોરીએ કહ્યું કે, હું મોટી મમ્મીને ત્યાં ગઈ હતી. આ દરમિયાન કિશોરીની માતાને તેની જેઠાણીએ કહ્યું કે, તારી દીકરીને અને એક વૃદ્ધને મે ખેતરમાંથી સાથે બહાર નીકળતા જોયા છે. જેથી માતાએ પોતાની દીકરીને પરિવાર સમક્ષ સમગ્ર હકીકત પૂછતા દીકરીએ કહ્યું હતું કે, ચંપક શુકર પટેલ નામના વૃદ્ધે તેના શેરડીના ખેતરમાં રહેવા માટે ડેલું બનાવેલું છે, ત્યાં ફિલ્મી ગીતો સંભળાવવાની લાલચ આપી મારી સાથે ખોટું કામ કરતો હતો અને સાથે જ જો કોઈને કહ્યું તો ધારિયાથી મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો.
ગણતરીના દિવસોમાં વૃદ્ધની ધરપકડ
આમ સમગ્ર દુષ્કર્મની હકીકત સામે આવતા પરિવારે 60 વર્ષીય વૃદ્ધ ચંપક શુકર પટેલ વિરુદ્ધ વાંસદા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગણતરીના દિવસોમાં વૃદ્ધની ધરપકડ કરીને કાયદેસરની તપાસ કરી છે. આ સમગ્ર મામલે નવસારી CPIને તપાસ સોંપવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.