શહેરમાં વિકાસની આગેકૂચ:વરસાદી પાણીના નિકાલ માટે 91 કરોડનો માસ્ટર પ્લાન

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોવીસીમાં હાલમાં જ વરસાદી પાણી ભરાયા હતા તેની ફાઈલ તસવીર - Divya Bhaskar
ચોવીસીમાં હાલમાં જ વરસાદી પાણી ભરાયા હતા તેની ફાઈલ તસવીર
  • નવસારી સહિત તેમાં ભળેલા વિજલપોર, 8 ગામમાં વરસાદી પાણીના નિકાલ કરવા માટે સંકલિત ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે
  • પાલિકામાં સમાવાયેલા 25 ચોરસ કિમીના નવા વિસ્તારમાં ઘણામાં વરસાદી પાણીના નિકાલનું નેટવર્ક નથી તે ઉભું કરવામાં આવશે

નવસારી વિજલપોર નગરપાલિકા હદ વિસ્તારની વરસાદી પાણીના નિકાલ માટે 91 કરોડ રૂપિયાનો માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે.22 જૂન 2020માં વિજલપોર અને નજીકના 8 ગામને નવસારી શહેરમાં જોડી નવસારી-વિજલપોર નગરપાલિકા બનાવાઈ હતી. આ નવી પાલિકામાં જૂની નવસારી પાલિકા હદ વિસ્તારમાં તો મહત્તમ પાયાગત સુવિધા છે પણ વિજલપોર અને નજીકના જોડાયેલ 8 ગામમાં નથી. આ વિસ્તારોમાં રહેણાંક, કોમર્શિયલ વિકાસ આગામી સમયમાં થશે અને તેને લઈને તેમાં પાયાની સુવિધા ઉભી કરાશે.

જેમાં એક સુવિધા વરસાદી પાણીના નિકાલની પણ ઉભી કરવાનું છે. આ બાબતને ધ્યાને લઇ સમગ્ર નવસારી શહેર (વિજલપોર, 8 ગામ સહિત)ના વરસાદી પાણીના નિકાલ માટે ડિટેલ પ્રોજેકટ રિપોર્ટ (ડીપીઆર) બનાવવાનું કામ કન્સલ્ટન્સીને સોંપાયું હતું. જેના એક રિપોર્ટ મુજબ ખર્ચનો અંદાજ 91.24 કરોડ રૂપિયાનો આવ્યો છે.

મળતી માહિતી મુજબ પ્લાન મુજબ વરસાદી ગટર વગેરેનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. ખાસ કરીને નવસારીમાં જોડાયેલ 8 ગામડાઓ અને વિજલપોરનો 25 ચોરસ કિમી વિસ્તાર છે, જેમાં વરસાદી પાણીના નિકાલનું ઘણું નેટવર્ક ઉભું કરવી પડશે. સરકારે આ પ્લાન મંગાવ્યો હોય તેને મંજૂરી મળી ગ્રાન્ટ મળવામાં સમસ્યા સર્જાય એવી શક્યતા ઓછી છે. જેટલી વહેલી તકે મંજૂરીની મહોર મારવામાં આવશે તેટલી વહેલી તકે પ્લાન ઉપર કામગીરી શરૂ થશે.

નગર પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીમાં મંજૂરી
નવસારીમાં વરસોથી પાણી નિકાલની સમસ્યા ઘર કરી ગઈ છે. વરસાદી પાણીના નિકાલ માટે કન્સલ્ટન્સીએ રજૂ કરેલ ડીપીઆરનો મુદ્દો ગુરૂવારે અશ્વિન કાસુન્દ્રાના ચેરમેનપદે મળેલી નવસારી-વિજલપોર પાલિકાની એક્ઝિક્યુટીવ કમિટીની બેઠકમાં લેવાયો હતો. જેમાં તેને મંજૂરી આપી આગામી દિવસોમાં તેની તાંત્રિક અને વહીવટી મંજૂરી મેળવવા માટેની કામગીરી
આગળ ધપાવામાં આવશે.

શહેરના નવા વિસ્તારોમાં 10 વર્ષ પછી સમસ્યા નહીં રહે તે માટે તજવીજ શરૂ
હાલમાં નવસારી નગરપાિલકામાં સમાવેયાલા શહેરની આસપાસના 8 ગામોમાંના ઘણાં વિસ્તારમાં ડેવલપમેન્ટ નથી અને ખુલ્લી જગ્યા પણ છે. ભવિષ્યના વરસાદમાં વધુ ડેવલપમેન્ટ થશે એ નક્કી છે ત્યારે આ વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની સમસ્યા વધુ સર્જાવાની શક્યતા છે. આમાંના ઘણાં ગામોમાં વરસાદી ગટરો પણ નથી. નવસારીમાં તો અમૃત યોજના હેઠળ વરસાદી ગટરો મહત્તમ બની ગઈ છે પણ વિજલપોરમાં હજુ કેટલીક બાકી હોવાનું જાણવા મળે છે. આ સ્થિતિમાં આગામી 10 વર્ષ પછી ડેવલપમેન્ટ થાય ત્યારપછી પણ સમસ્યા વધુ નહીં સર્જાય તે માટે વરસાદી ગટરનું નેટવર્ક ઉભુ કરવા તજવીજ હાથ ધરાઈ છે. જેમાં પ્રથમ તબક્કે ડી.પી.આર બનાવવામાં આવ્યો છે.

વરસાદી ગટર ન હોય તો ગંદા પાણીની ગટરની સમસ્યા વધે
શહેરમાં ડ્રેનેજ લાઈન બે પ્રકારની હોય છે જે પૈકી એક ગંદા પાણીના નિકાલ માટેની ડ્રેનેજ અને બીજી વરસાદી પાણીના નિકાલ માટેની ગટર હોય છે. જો વરસાદી પાણીના નિકાલ માટે અલાયદી વરસાદી ગટર ન હોય તો મોટી સમસ્યા સર્જાય છે. વરસાદી પાણી ગંદા પાણી વહન કરતી ગટરમાં છોડી દેવાય છે. વરસાદી પાણી સાથે માટી, કુડો-કચરો વગેરે પણ જાય છે, જેથી ગંદા પાણીની ગટર બ્લોક થતી અવારનવાર જોવા મળે છે. ચોમાસામાં છાશવારે ઠેર ઠેર ગંદા પાણીની ગટરો ઉભરાય જાય છે. અવર નવર સર્જાિત આ સ્થિતિને ટાળવા યોગ્ય ‘વરસાદી પાણીની ગટર’નું નેટવર્ક ઉભુ કરવું જરૂરી છે અને તેને લઈને હાલ તજવિજ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...