દિવાળીની ભેટ:નવસારી ડેપોથી મુસાફરો માટે ઉત્તર ગુજરાત જવા 9 ટ્રીપ દોડાવાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસટી વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના રત્નકલાકારો માટે વતન જવા અપાયેલી મોટી રાહત

નવસારી એસટી વિભાગ દ્વારા આગામી દિવાળી અને નવા વર્ષના પર્વને લઈ વધારાની બસની ટ્રીપો દોડાવવામાં આવી રહી હોવાની માહિતો એસટી ડેપોમાંથી મળી છે. જેમાં ઉત્તર ગુજરાત જવા પહેલા રત્નકલાકારો સુરત જઈ બસ દ્વારા જતા હતા, તેને બદલે નવસારી એસટી વિભાગે તેમની પાસે વ્યાજબી ભાડું લઈને નવસારીથી તેમના વતન જવાની વ્યવસ્થા કરી આપવામાં આવતા રત્નકલાકારોમાં ખુશી વ્યાપી ગઇ છે. નવસારી ડાયમન્ડ સીટી તરીકે ઓળખાય છે જેમાં ઉત્તર ગુજરાતના વિવિધ ગામોમાંથી રત્નકલાકાર તરીકે નવસારીમાં આવ્યા છે. તેઓ દિવાળી અને હોળીદરમિયાન તેમના ઘરે જઈ પર્વ મનાવતા હોય છે. આ રત્ન કલાકારો માટે તેમના વતન જઈ શકે તેની વ્યવસ્થા કરવામાં આવી છે.

જેમાં પહેલાના સમયમાં નવસારીમાં રહેતા લોકો સુરત જઈને ઉત્તર ગુજરાતમાં તેમના ઘર જવા બસની મુસાફરી કરતા હતા.​​​​​​​ તેમની વ્યથાને લઈ એસટી વિભાગ નવસારી દ્વારા દિવાળી પર્વે સોમવાર અને મંગળવાર એમ બે દિવસમાં 9 વધારાની ટ્રીપ દોડાવાની માહિતી મળી છે. જેમાં સોમવારે 5 ટ્રીપ અને મંગળવારે 4 ટ્રીપ વધારાની બસ મુકવામાં આવશે તેવી માહિતી મળી છે. આ વધારાની બસને લઈને રત્નકલાકારોમાં આનંદ છવાયો હતો. તેઓ હવે સુરત નહીં પણ નવસારીથી સીધા તેમના ઘર નજીક પહોંચશે. તેઓ તેમના પરિવારજનો સાથે દિવાળી ઉજવશે.

સુરત માટે વધુ 20 ટ્રીપ દોડશે
દિવાળીની ખરીદી કરવા નવસારી શહેરના લોકો સુરત જાય છે. તેમની સંખ્યા પણ વધુ હોય એસટી ડેપો દ્વારા રેગ્યુલર 12 ટ્રીપ નવસારીથી જતી હતી તેને બદલે વધુ 20 ટ્રીપ દોડાવાતા એસટીને વધુ આવક થશે. કુલ 32 ટ્રીપ સોમવારથી શરૂ કરવામાં આવતા સુરત જતા મુસાફરોમાં ખુશી ફેલાઈ હતી.

મુસાફરોની અગવડતાને લીધે આ નિર્ણય લેવાયો
દર વર્ષે ઉત્તર ગુજરાતમાં રહેતા અને નવસારીના રત્નકલાકારો સુરતથી બસમાં વતન જતા હતા. હવે નવસારી ડેપોની બસ ઉત્તર ગુજરાતમાં રત્નકલાકારોના ઘર નજીક જશે. - વિપુલ રાવલ, ડેપો મેનેજર, નવસારી

અન્ય સમાચારો પણ છે...