• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • 87,099 Students Of Std. 1 To 5 Of 823 Schools In Navsari District And 28000 Students Of Std. 6 To 8 Will Join The Study After Completion Of Diwali Vacation.

સ્કૂલ ચલે હમ:નવસારી જિલ્લામાં 823 શાળાના ધોરણ 1થી 5ના 87,099 અને દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ ધો-6થી 8ના 28000 છાત્રો અભ્યાસમાં જોડાશે

નવસારી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીના 20 માસ બાદ હવે ધોરણ-1થી 5ના છાત્રોનો પણ ઓફલાઇન અભ્યાસ શરૂ, SOPનું પાલન ફરજિયાત

નવસારી જિલ્લામાં કોરોના મહામારી બાદ 20 માસ પહેલા બંધ થયેલા કુલ 823 પ્રાથમિક શાળાના ધોરણ 1 થી 5ના 87099 છાત્રો માટે હવે ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવશે. જોકે શાળાના શિક્ષકોએ નાના બાળકોની સંભાળ સરકારના માર્ગદર્શન મુજબ કરવાની રહેશે. સોમવારથી રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ ઓફલાઇન શરૂ કરવાનો અગત્યનો નિર્ણય કર્યો છે. જોકે વિધાર્થીઓની હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક પણ આપવાના રહેશે.

નવસારી જિલ્લામાં પણ વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી શાળા કોલેજો બંધ કરવામાં આવી હતી. કોરોનાનું સંક્રમણ ઓછું થતા ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11 અને ત્યારબાદ સપ્ટેમ્બર માસમાં પ્રાથમિક શાળાના ધોરણ 6 થી 8ના ઓફલાઇન વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા, પણ ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા નાના બાળકો હોય તેઓમાં સંક્રમણ ન થાય તે માટે વર્ગો શરૂ થયા ન હતા, પણ કોરોના સામે વેક્સિનેશનનું કામ પણ મોટા ભાગનું પૂર્ણ થઇ ગયું હોય અને કોરોનાના કેસ ઓછા થતા રાજ્ય સરકારે બીજા સત્રની શરૂઆતમાં ધોરણ 1 થી 5ના ધોરણના ઓફલાઇન વર્ગો શરૂ કરાશેની જાહેરાત કરવામાં આવી હતી.

જો કે આ માટે શાળાના શિક્ષકોએ 54 પાનાની એસ.ઓ.પીનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જિ.પં. હસ્તક 660 અને ખાનગી 163 શાળાના 87,099 છાત્રો હવે 20 મહિના બાદ ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગમાં અભ્યાસ કરી શકશે. છાત્રના વાલીની સંમતી પણ ફરજીયાત રહેશે તેના માટે ફોર્મ પણ શાળામાં જમા કરવાનું રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરણ-6થી 8 નું દિવાળી વેકેશન પૂર્ણ થતા હવે 28000 છાત્રો પણ રાબેતા મુજબ શિક્ષણ કાર્યમાં જોડાશે.

આજથી સમગ્ર જિલ્લાની સૂમસાન શાળાઓ બાળકોના કોલાહલથી ગૂંજી ઉઠશે
પ્રા.શિક્ષણાધિકારી રોહિતભાઇ ચૌધરીએ જણાવ્યું કે, ધોરણ 1 થી 5ના વર્ગો ઓફલાઇન શરૂ થવાની સાથે બાળકો પાસે એસ.ઓ.પીનું સંપૂર્ણ પણે પાલન કરાવવા માટેની જવાબદારી શાળાના શિક્ષકોની રહેશે. જેમાં સરકાર દ્વારા 54 પાનાની એસ.ઓ.પીમાં બાળકોના સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને સલામતી અંગે ભાગ 1 અને 2 ભાગમાં શારીરિક અને સામાજિક અંતર સાથે અધ્યયન કરાવવાનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જો કે ઓફલાઇન સાથે ઓનલાઈન વર્ગ પણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. બાળકોની ઉંમર નાની હોવાથી સંપૂર્ણ તકેદારી રાખવાની જવાબદારી શાળાની રહેશે.આ ઉપરાંત સરકાર દ્વારા જારી કરાયેલી એસઓપીનું ચુસ્તપણે પાલન કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. જેમાં શાળા, વર્ગ તેમજ શાળાના સેનેટાઇઝેશનની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકાયો છે.

બાળકોના હિતમાં લેવાયેલો નિર્ણય યોગ્ય
સરકારની રિવ્યુ કમિટીએ દોઢ વર્ષથી બંધ રહેલ શાળાના ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ કરવા અને આ પરિસ્થિતિમાં બગડેલા શિક્ષણ અને બાળકોની મનોદશા નિવારણ અંગે તેમજ દરેક વિષયમાં અભ્યાસક્રમમાં શું ફેરફાર કરી શકાય તે અંગે અભિપ્રાય લઈને બાળકોના હિતમાં ઉચિત અને ત્વરિત નિર્ણય કર્યો તે માટે ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ આભાર માને છે. > મનોજ જીવાણી, પ્રમુખ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

અન્ય સમાચારો પણ છે...