નવસારી જિલ્લામાં બુલેટ ટ્રેન અસરગ્રસ્ત 28 ગામના 700 ખેડૂતને 1 ચો.મી.ના રૂપિયા 900 બજાર ભાવ લેખે વીઘાદીઠ (2378 ચોરસ મીટર) મુજબ રૂપિયા 91 લાખ વળતર પેટે સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વળતર નક્કી કરાયું હોવાની માહિતી સાંપડી છે, જેને પગલે નવસારી જિલ્લાના બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂતોની માગણી મહદંશે પૂર્ણ થતાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે. નવસારી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિમાયેલી જિલ્લા મૂલ્યાંકન સમિતિએ મીટિંગમાં ઠરાવેલી બજાર કિંમત મંજૂર કરાઇ હોવાની વિગત મળી છે.
નવસારી જિલ્લામાંથી સરકારના બહુમૂલ્ય પ્રોજેક્ટ પૈકીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટને નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગ્રહણ લાગ્યું હતું. ખેડૂતોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જતી જમીનની સામે બજાર કિંમતની માગણી કરી સરકારમાં ધા નાખી હતી. સરકાર સામે ખેડૂતોએ આક્રોશ ઠાલવી આ પ્રોજેક્ટને નવસારી જિલ્લામાં અટકાવી દેવા સુધ્ધાંની ચીમકી પણ આપી હતી.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વળતર મામલે ખેડૂતો એકજૂથ થઇ ગયા હતા. નવસારી જિલ્લામાં 28 ગામમાંથી આ બુલેટ ટ્રેન પસાર થવાની હોવાથી 700 જેટલા ખેડૂતને આ પ્રોજેક્ટમાં પોતાની કીમતી જમીન આપી દેવી પડે એવી સ્થિતિ નિર્માણ થઈ હતી. સરકારમાં ખેડૂતોની માગ સંદર્ભે યોગ્ય રજૂઆત કરવા માટે નવસારી જિલ્લા બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિ પણ બનાવાઇ હતી, જેના કન્વિનર તરીકે વિનોદચંદ્ર દેસાઇ (સી.એ.) રહ્યા હતા. તેેમણે ખેડૂતો સાથે મળી સરકાર સાથે ખેડૂતોની માગણી અંગે અવાર-નવાર રજૂઆતો કરી હતી, જેમાં નવસારી જિલ્લાના ધારાસભ્યોએ પણ ખેડૂતોની માગણીને વાજબી ઠેરવી મુખ્યમંત્રી સુધી આ વાત પહોંચાડી હતી. આને પગલે સરકાર દ્વારા ખેડૂતોને રાહત સાંપડે તેવો નિર્ણય કર્યાની માહિતી ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના કન્વિનર વિનોદચંદ્ર દેસાઇએ આપતાં જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા નવસારી જિલ્લા બુલેટ ટ્રેન બાબતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને નિમાયેલી જિલ્લા મૂલ્યાંકન સમિતિએ 2 નવેમ્બર 2020ના રોજ મળેલી બેઠકમાં કરેલા ઠરાવને મંજૂરીની મહોર મારી દેવામાં આવી છે. એ બેઠકમાં 1 ચો.મી.ના રૂપિયા 900 બજાર કિંમત મંજૂર કરાઇ હતી, જેને પગલે સમગ્ર નવસારી જિલ્લાનાં 28 ગામોના 700 ખેડૂતને 1 વીઘા (2378 ચો.મી.)દીઠ રૂપિયા 91 લાખ વળતર મળશે. સરકારમાં આ નિર્ણયને લઇને ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ઊઠી છે.
ખેડૂતોના પ્રશ્નનો સુખદ ઉકેલ
બુલેટ ટ્રેન અસરગ્રસ્ત ખેડૂત સમન્વય સમિતિના કન્વીનર વિનોદચંદ્ર દેસાઈએ જણાવ્યું હતું કે પૂ.ગાંધીજીના માર્ગે નવસારી જિલ્લાના ખેડૂતોએ હકારાત્મક અભિગમ રાખી કોર્ટ નહીં, પણ સરકાર, સંઘર્ષ નહીં, પણ સમન્વયનો અભિગમ રાખી નવસારીના સાંસદ સી.આર.પાટીલને આ પ્રશ્ને રજૂઆત કરી હતી અને આજે એનો સુખદ ઉકેલ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.