નવસારી જિલ્લામાં જુલાઈના અતિ ભારે વરસાદ,પૂરથી થયેલ પાકની નુકસાની માટે 2 અઠવાડિયામાં 6300 ખેડૂતો e સહાય માટે અરજી કરી છે. જિલ્લામાં 10 થી 13 જુલાઈના અરસામાં પડેલ અતિ ભારે વરસાદ અને તેને લઈને નદીઓમાં આવેલ પૂરના કારણે ખેતી પાકોમાં તમામ 6 તાલુકામાં નુકસાની થઈ હતી. સરકારે નુકસાની થયાના 100 દિવસ બાદ ચૂંટણી જાહેરાત અગાઉ સહાય કરવાની જાહેરાત કરી,જે અંતર્ગત કેળના પાક સિવાય તમામ પાકોને બિનપિયત ગણી 33 ટકાથી વધુ નુકસાનીમાં હેકટર દીઠ 6800 રૂપિયા ચૂકવવાનો નિર્ણય લીધો હતો.
આ સહાય મેળવવા અસરગ્રસ્ત ખેડૂતોને ઓનલાઇન અરજી કરવાની પણ રહેશે. 1 નવેમ્બરના અરસામાં સહાય માટે ઓનલાઇન અરજી કરવાની શરૂઆત થઈ હતી. જે પ્રથમ 2 અઠવાડિયા સુધીમાં 6300 જેટલા અસરગ્રસ્ત ખેડૂતોને સહાય માટે અરજી કર્યાની જાણકારી મળી છે. સરકારે 25 નવેમ્બર સુધીમાં સહાય માટે ઓનલાઇન અરજી કરવાની મુદત નક્કી કરી હોય ખેડૂતોની સંખ્યા વધશે. અહી ઉલ્લેખનીય છે કે નુકસાની બાદ થયેલ પ્રાથમિક સરવેમાં 11 હજાર જેટલા ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાની થયાનું બહાર આવ્યું હતું. જોકે આટલા ખેડૂતો અરજી કરશે કે નહીં તે જોવું રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.