પુર્ણા નદી બેકાંઠે:ડાંગના સુબિર પંથકમાં 24 કલાકની અંદર સવા બે ઇંચ વરસાદ, ઝરણાઓ અધધ પાણીનાં પ્રવાહ સાથે ગાંડાતુર

નવસારી19 દિવસ પહેલા
  • આહવા તાલુકામા 16 મિમી વરસાદ, વીજળી પડવાથી પાડાનુ મોત

રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનું આગમન થઈ ગયુ છે. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પણ વરસાદ નોંધાયો છે. જેમાં આજરોજ ડાંગનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇમાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો. જ્યારે ડાંગ જિલ્લાનાં સુબિર તાલુકાનાં ગામડાઓમાં શનિવારે સાંજનાં અરસામાં ધોધમાર વરસાદ તૂટી પડતા ચાલુ સિઝનમાં પહેલી વખત પુર્ણા નદીમાં નવા નીર આવ્યા છે. સુબિર તાલુકામાં 24 કલાકની અંદર 57 મિમી વરસાદ નોંધાયો છે.

ઝરણાઓ ગાડાતુર

ડાંગનાં સુબિર પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે સર્વત્ર ગામડાઓમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી. જેમાં ધોધમાર વરસાદનાં પગલે સુબિર તાલુકાની પુર્ણા નદી સહિત જંગલ વિસ્તારમાં આવેલ નાનકડા ઝરણા અને વહેળાઓ અધધ પાણીનાં પ્રવાહ સાથે ગાંડાતુર હાલતમાં જોવા મળી રહ્યા હતા. ડાંગનાં સુબિર પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે ખરેખર ચોમાસાની ૠતુનાં દ્રશ્યો રેલાયા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા મુજબ ચોમાસાની વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર સાબદુ છે.

સુબિર તાલુકામાં 57 મિમી વરસાદ

સુબિર પંથકમાં સવારે છ વાગ્યાથી સાંજે 8 સુધી 14 કલાક સુધી સુબિર તાલુકામાં 57 મિમી વરસાદ નોંધાતા, પુર્ણા નદી બેકાંઠે વહેતી થઈ હતી. સાથે નાના કોતરોમા વરસાદના નવા નીર વહેતા જોવા મળ્યા હતા. આહવા તાલુકામા 16 મિમી વરસાદ, જ્યારે વઘઇ તાલુકામા પણ છુટાછવાયા વિસ્તારોમા વરસાદે અમી છાંટણા કર્યા છે. સુબિર તાલુકાના પાદલખડી ગામેં પશુધન ઉપર આકાશી વીજળી પડવાથી એક પાડાનુ મૃત્યુ નોંધાયુ છે.

અન્ય સમાચારો પણ છે...