તહેવારો પર મોંઘવારીની અસર:ઈકોફેન્ડલી ગણેશની મૂર્તિના ભાવમાં 50 ટકાનો વધારો, મોંઘવારીએ બજેટ બગાડતા ગણેશભક્તોમાં નિરાશા

નવસારી24 દિવસ પહેલા
  • ગણેશ પ્રતિમા માટે જરૂરી રો મટીરીયલમાં વધારો થતા મૂર્તિના ભાવમાં પણ વધારો થયો

દેશમાં મોંઘવારીએ માંઝા મુકી છે. હવે તહેવારો પર પણ મોંઘવારીની અસર જોવા મળશે. બે વર્ષ બાદ ધામધૂમથી ગણેશોત્સવની તૈયારી કરતા ગણેશ ભક્તોને શ્રીજીની માટીની પ્રતિમાં ગત વર્ષો કરતા અંદાજે 50 ટકાથી પણ વધુ મોંઘી ખરીદવી પડશે. ગણેશ મંડળોમાં ગણેશોત્સવનો ઉત્સાહ તો છે, પણ મોંઘવારીએ બજેટ બગાડતા નિરાશ થયા છે. તેમજ ગણેશજીની માટીની પ્રતિમા બનાવતા મૂર્તિકારો મંદીનો માર સહન કરી રહ્યા છે.

ગંગા માટીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થયો
નવસારીમાં વર્ષોથી પશ્ચિમ બંગાળથી કારીગરો માટીની ગણેશની પ્રતિમાં બનાવવા વર્ષોથી નવસારી આવતા હોય છે. ગણેશોત્સવના 5 મહિના પૂર્વે આવી જતા હોય છે. પરંતુ સરકારી ગાઈડલાઈન અનુસાર 4 ફૂટની અને માટીની જ પ્રતિમા બનાવવાની હતી. જેથી બંગાળી કારીગરો મોટી પ્રતિમા બનાવી ન શકતા, તેમને મુશ્કેલી વેઠવી પડી હતી કારણ કે મોંઘવારીના મારને કારણે શ્રીજીની પ્રતિમા બનાવવા માટે લાવવામાં આવતી ગંગા માટીનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધી ગયો છે. બે વર્ષ અગાઉ 65 હજાર રૂપિયા ટ્રાન્સપોર્ટેશન થતુ હતું, એ આજે લાખ કે 1.05 લાખ પર પહોંચ્યુ છે. જ્યારે ઘાસની 850 રૂપિયાની એક ગાંસડીના આજે 2 હજાર રૂપિયા થયા છે. જેની સાથે કારીગરોના પગાર સાથે અન્ય ખર્ચ કાઢવો મૂર્તિકારો માટે અઘરો પડે છે. જેથી મૂર્તિના ભાવમાં 50 ટકાથી પણ વધુનો વધારો થયો છે.

વરસાદી માહોલમાં મૂર્તિને સુકવવામાં ઘણી મુશ્કેલી
આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ગણેશ પ્રતિમાની ઉંચાઈ પરનો પ્રતિબંધ હટાવી દેતા, ગણેશ મંડળો હરખાયા છે. પણ મૂર્તિકારો ગણેશોત્સવને દોઢ મહિનો બાકી હોય, ઉંચી પ્રતિમા બનાવવા અસમર્થતા દર્શાવી રહ્યા છે કારણ કે, વરસાદી માહોલમાં મૂર્તિને સુકવવામાં ઘણી મુશ્કેલી પડે છે. જેથી જ્યાં 100 પ્રતિમા બનતી હતી, ત્યાં 50 થી પણ ઓછી પ્રતિમાઓ બની છે. મૂર્તિકારો હાલ મંદીનો અનુભવ કરી રહ્યા છે.

તમામ પ્રતિબંધો હટતા શ્રીજી ભક્તોમાં ઉત્સાહ
કોરોનાના બે વર્ષો બાદ તમામ પ્રતિબંધો હટતા શ્રીજી ભક્તોમાં આ વર્ષે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં પણ 4 ફૂટથી વધુની ગણેશ પ્રતિમાના સ્થાપન કરવાના પ્રતિબંધ પણ રાજ્ય સરકારે હટાવતા ગણેશ મંડળો મોટી ગણેશ પ્રતિમાઓ બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પરંતુ મૂર્તિકારો દોઢ મહિનામાં મૂર્તિ કેવી રીતે બનાવે એની દ્વિધામાં પડ્યા છે. જોકે, તેમ છતાં ઘણા મંડળોએ મૂર્તિકારોને મનાવી વધુ રૂપિયા ખર્ચીને પણ 8 થી 12 ફૂટની પ્રતિમાઓ બનાવડાવી છે.
30 હજારની મૂર્તિના આ વર્ષે 50થી 60 હજાર રૂપિયા
શ્રીજી ભક્તોએ પણ મોંઘવારી છતાં ધામધૂમથી ગણેશોત્સવ ઉજવવાની તૈયારી કરી છે. જોકે, 30 હજારમાં પડતી ગણેશ પ્રતિમા આ વખતે 50 થી 60 હજારમાં થઈ રહી છે. એમાં પણ પ્રતિમાની ડિઝાઇન ઉપર પણ પ્રતિમાનો ભાવ વધી જાય છે. તેમ છતાં ગણેશ મંડળોએ હોશે હોશે શ્રીજીની ઉંચી પ્રતિમા બનાવડાવી છે.
​​​​​​કોરોનાએ જીવનના દરેક પ્રસંગો પર મોટી અસર પાડી હતી. જેમાં આર્થિક ભારણ વધવા સાથે પેટ્રોલ-ડીઝલના ભાવો સાથે જ GSTમાં ફેરફારને કારણે મોંઘવારીએ માઝા મુકી છે. ત્યારે આ વખતે મોંઘવારી હોવા છતાં ગણેશોત્સવમાં મોંઘી શ્રીજીની પ્રતિમાનું પણ ભાવપૂર્વક સ્થાપન કરી ભક્તો ગણેશ ભક્તિમાં લીન થશે.

અન્ય સમાચારો પણ છે...