કોરોના બેકાબૂ:નવસારીમાં 50 ટકા કોરોના પોઝિટિવ દર્દી ‘હોમ આઇસોલેટ’, કોરોના હવે હાવ આછો થયો

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા બાંગિયા ફળિયા મીઠાકુંવા વિસ્તારમાં હોમ આઇસોલેશનમાં રખાયેલી તકેદારી - Divya Bhaskar
બીલીમોરા બાંગિયા ફળિયા મીઠાકુંવા વિસ્તારમાં હોમ આઇસોલેશનમાં રખાયેલી તકેદારી
  • પોઝિટિવ દર્દીઓ ઘરે પણ સાજા થઇ શકે છે તેમ સમજાતા ‘હોમ આઇસોલેશન’ને પ્રાધાન્ય
  • બે મહિના અગાઉ શરૂઆત ટાણે માત્ર બે-ત્રણ કેસ હોમ આઇસોલેશનમાં હતા

નવસારી જિલ્લામાં હાલ લગભગ અડધો અડધ કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. બે મહિના અગાઉ શરૂ થયેલ ઘરે જ આઇસોલેટ થવાની સુવિધાની હવે મહત્તમ સાધારણ યા નહીવત લક્ષણ ધરાવતા પોઝિટિવ કેસના દર્દીઓ લઈ રહ્યા છે.

આજે તો 88 એક્ટિવ કેસમાંથી 45 ઘરે સારવાર લે છે
નવસારી જિલ્લામાં આમ તો 25મી માર્ચે કોરોના અંતર્ગત લોકડાઉન મુકાયું હતું પરંતુ જિલ્લાનો પ્રથમ કોરોના પોઝિટિવ કેસ 21 એપ્રિલે બહાર આવ્યો હતો. શરૂઆતમાં કોવિડ હોસ્પિટલ બનાવાયેલ હોસ્પિટલમાં જ પોઝિટિવ દર્દીઓને દાખલ કરાતા હતા પરંતુ ત્યારબાદ લક્ષણો વિનાના કેસો માટે નવસારી કૃષિ યુનિવર્સિટી કેમ્પસમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું હતું ત્યારબાદ આશરે બે મહિના અગાઉ કોરોનાના પોઝિટિવ કેસવાળા માટે ઘરે જ અલાયદું રહેવાની ‘હોમ આઇસોલેશન’ને પણ મંજૂરી અપાઈ હતી. મંજૂરી અપાયાના શરૂઆતના દિવસોમાં થોડા જ પોઝિટિવ કેસો હોમ આઇસોલેશનમાં રહેતા હતા.19 જુલાઈનો આંકડો જોઈએ તો કુલ 128 એક્ટિવ કેસોમાં માત્ર 5 જ જણા હોમ આઇસોલેશનમાં હતા. જોકે ક્રમશઃ એક્ટિવ કેસો ઘટતા ગયા અને હોમ આઇસોલેશનનું પ્રમાણ વધતું ગયું છે. 16મીએ જે 92 દર્દી એક્ટિવ હતા તેમાં 45 તો હોમ આઇસોલેશનમાં હતા. 17મીએ તો 88 એક્ટિવ કેસમાં 45 કેસ હોમ આઇસોલેશનમાં હતા. બીજા શબ્દોમાં કહીએ તો બહુમતી પોઝિટિવ કેસ હોમ આઇસોલેશનમાં હતા. આ સ્થિતિ દર્શાવી રહી છે કે હવે વધુને વધુ કોરોના પોઝિટિવ લોકો હોમ આઇસોલેશનમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે અને તંત્ર પણ તેની મંજૂરી આપી રહી છે.

ઘરમાં અલાયદી સુવિધા હોવી જરૂરી
હોમ આઈસોલેશનમાં રહેવા માટે પોઝિટિવ કેસ ઘરમાં અલાયદો રહે એ જરૂરી છે. બીજા સાથે નિકટ સંપર્ક ન થાય તે જરૂરી છે. આ માટે તેના રૂમમાં જ યા રૂમને લાગુ શૌચાલય વગેરે હોવું જોઈએ. હોમ આઈસોલેશનમાં રહેનારને ઓરલી જ ટ્રીટમેન્ટ મળતી હોય છે.

જિલ્લામાં બે કોવિડ હોસ્પિટલ ઘટાડાઇ
જ્યાં હોમ આઈસોલેશનમાં કેસો વધી રહ્યા છે ત્યાં સરકારે બનાવેલ કોવિડ હોસ્પિટલ પણ નવસારી જિલ્લામાં ઘટી રહી છે. અગાઉ જ વાંસદાની હોસ્પિટલ નીકળી ગઈ હતી. હવે નવસારીની જાણીતી પારસી હોસ્પિટલ પણ કોવિડ-19 હોસ્પિટલમાંથી નીકળી ગઈ છે.

હોમ આઈસોલેશનમાં કોણ રહી શકે ?
દરેક જ કોરોના પોઝિટિવ હોમ આઈસોલેશનમાં રહી શકે એવું નથી. મળતી માહિતી મુજબ જે કેસમાં લક્ષણો ન હોય યા અત્યંત સામાન્ય લક્ષણો હોય તે રહી શકે છે. જોકે ગંભીર રોગના દર્દી પણ ન હોવા જોઈએ.

હોમ આઈસોલેશનમાં પસંદગી વધવાનું કારણ
વધુને વધુ લોકો ‘હોમ આઈસોલેશન’ પસંદ કરી રહ્યાના અનેક કારણ છે. એક તો ઘરમાં રહેવું તમામને હોસ્પિટલ કરતા સારુ લાગે છે. વધુને વધુ સાધારણ લક્ષણવાળા લોકો ઘરમાં પણ સારા થઈ રહ્યા છે તે જોતા રોગનો ‘હાઉ’ પણ ઓછો થયો છે. ખાવા-પીવાનું પણ સારુ મળી શકે છે.

ગુરૂવારે 6 કેસ નોંધાયા, 888 દર્દી રિકવર, 88 કેસ એક્ટિવ
નવસારી જિલ્લામાં ગુરૂવારે કોરોનાના 6 કેસ બહાર આવ્યા હતા. જેમાં નવસારીમાં ખડસુપા અને કાલીયાવાડીમાં નોંધાયા હતા. આ ઉપરાંત નડોદ, વાવ, સમરોલી અને ઢોલુમ્બર ગામે એક-એક બહાર આવ્યા હતા. વધુ 6 કેસની સાથે કુલ કેસ 1074 થયા હતા. ગુરૂવારે વધુ 10 દર્દી રિકવર થતા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા, જેથી કુલ રિકવરની સંખ્યા 888 થઈ હતી. એક્ટિવ કેસની સંખ્યા 88 રહી હતી.

અન્ય સમાચારો પણ છે...