મન્ડે પોઝિટિવ:6 માંથી 5 તાલુકામાં 100 ટકાથી વધુ વરસાદ, ત્રણેય ડેમ ભરાયા અને ખરીફ પાક પણ સારો

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગણદેવી તાલુકાના દેવધા ગામ ખાતે અંબિકા નદી ઉપર બનાવેલ ડેમ સારા વરસાદને કારણે ભરાઇ ગયેલો જણાય છે. - Divya Bhaskar
ગણદેવી તાલુકાના દેવધા ગામ ખાતે અંબિકા નદી ઉપર બનાવેલ ડેમ સારા વરસાદને કારણે ભરાઇ ગયેલો જણાય છે.
  • વરસાદ સારો તો આખુ વર્ષ સારુ
  • નવસારી જિલ્લાના ત્રણ ડેમ ઉપરાંત ઉકાઇ ડેમમાં પણ પાણીનો પૂરતો જથ્થો હોય મહત્તમ વિસ્તારમાં પાણીની સમસ્યા રહેશે નહીં

ચોમાસુ અંત ભણી જઈ રહ્યું છે ત્યારે નવસારી જિલ્લામાં એકમાત્ર ગણદેવીને બાદ કરતાં 5 તાલુકામાં વરસાદ સિઝનનો 100 ટકા થઈ ગયો છે તો જિલ્લાના ત્રણેય ડેમ પણ ભરાઈ ગયા છે. નવસારી જિલ્લામાં વર્તમાન ચોમાસામાં વરસાદ ખૂબ સારો વરસ્યો છે. હાલ ચોમાસુ અંત ભણી જઈ રહ્યું છે ત્યારે જિલ્લાનો સિઝનના 30 વર્ષના સરેરાશ વરસાદના 117 ટકા વરસાદ થઈ ગયો છે. નોંધનીય વાત એ છે કે જિલ્લાના એક બે નહિ પણ તમામ તાલુકામાં સારો વરસાદ થઈ ગયો છે, જેમાં 5 તાલુકામાં તો ઉક્ત તાલુકાના સરેરાશ વરસાદના 100 ટકાથી વધુ પડી ગયો છે.

એકમાત્ર ગણદેવી તાલુકામાં 100 ટકા થયો નથી પણ 98 ટકા થઈ જતા 100 ટકા થઈ જવાનો આરે છે. સ્થાનિક ઉપરાંત ઉપરવાસ ડાંગમાં પણ સારો વરસાદ પડતાં નવસારી જિલ્લામાં આવેલ ત્રણેય ડેમ ભરાઈ ગયા છે, વાંસદા તાલુકાના જૂજ અને કેલીયા તથા ગણદેવી તાલુકાના દેવધા ડેમનો સમાવેશ થાય છે. ડેમ ભરાઈ જતા આગામી દિવસોમાં ઉક્ત ડેમને લાગુ વિસ્તારોમાં સિંચાઈ તથા ખાસ કરીને પાણીની તકલીફ રહેશે નહીં. જુલાઈ મહિના બાદ ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં પણ હાલ સુધીમાં સમયાંતરે વરસાદ જારી જ રહેતા ડાંગર સહિત અન્ય ખરીફ પાકની સ્થિતિ પણ સારી રહી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, જિલ્લાના અનેક વિસ્તારોની નહેર યોજના ઉકાઇ ડેમ આધારીત છે. ચાલુ સાલ ઉકાઈ ડેમમાં પણ સારું પાણી હોય નવસારી શહેર સહિતના જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાનું પાણી પૂરતુ મળી રહેશે અને ખેતી માટે નહેરનું પાણી પણ મળી રહેશે.

ગણદેવી તાલુકામાં પણ 98 ટકા વરસાદ
જિલ્લામાં એકમાત્ર ગણદેવી તાલુકામાં જ સીઝનના 30 વર્ષના સરેરાશ વરસાદ સામે 100 ટકા વરસાદ હજુ સુધી થયો નથી. જોકે, અહીં પણ 98 ટકા વરસાદ તો થઇ જ ગયો છે. જેને લઇને હવામાન ખાતાએ આગામી દિવસો દરમિયાન કરેલી આગાહી જોતા ત્યાં પણ 100 ટકા વરસાદ થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...