નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું:સાપુતારામાં 5 ઇંચ વરસાદ ખાબકડા અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો, કાંઠાના 17 ગામડાઓને એલર્ટ કરાયા

નવસારી3 મહિનો પહેલા
  • ગણદેવીમાં પણ ભારે વરસાદના પગલે વધુ 200 લોકોનું સ્થળાંતર કરાયું
  • પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં હાલ ઘટાડો નોંધાયો

નવસારી જિલ્લામાં તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક નદી-નાળાઓ છલકાયા છે. તેમજ નવસારીમાંથી પસાર થતી અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. સતત ભારે વરસાદના પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. જોકે, પૂર્ણા અને કાવેરી નદીની જળસપાટીમાં હાલ ઘટાડો નોંધાયો છે. ઉપરવાસમાં સાપુતારામાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થયો હતો.

અંબિકા નદીનું જળસ્તર 24 ફુટ ઉપર
જિલ્લામાં આફતરૂપ બનેલા વરસાદને કારણે નદીઓમાં પુરની સ્થિતિ બનતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી અસરગ્રસ્ત પરિવારોને સ્થળાંતર કરાવવાની ફરજ પડી હતી. જોકે, જિલ્લામાં પૂર્ણા અને કાવેરી નદીઓમાં જે ભયજનક સપાટી વટાવી હતી, એમાં હવે ઘટાડો નોંધાયો છે. પરંતુ ગણદેવી તાલુકામાંથી પસાર થતી અંબિકા નદીનું જળસ્તર 24 ફુટ ઉપર સ્થિર રહ્યા બાદ ધીમે ધીમે વધી રહ્યું હતું. જેને કારણે કાંઠાના 17 ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યાં હતા.

અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ
ગણદેવી-અમાલસાડ માર્ગ પર ધમડાછાનો લો લેવલ પુલ અંબિકામાં ગરક થયો છે. જ્યારે ધમડાછા ગામેથી 102 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. ઉપરવાસના ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકામાં 4 વાગ્યા બાદ પાણી વધે તેવી સંભાવનાને જોતા ગણદેવીના આગેવાનો સાથે સ્થાનિક તંત્ર પણ એલર્ટ થયું છે. જો નદીના જળસ્તરમાં વધારો થાય તો અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની તૈયારી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...