ગુજરાતમાં વ્યાજખોરીનું દૂષણ પગપેસારો કરી રહ્યું છે. દેવાંના તળે દબાયેલા લોકો હવે આત્મહત્યા કરવા મજબૂર થઈ રહ્યા છે. નવસારીમાં વ્યાજખોર જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી સામે એક મહિલાએ ફરિયાદ નોંધાવી છે. મહિલાએ દાગીના ગીરવી મૂકીને 49 લાખ રૂપિયા 1 ટકા વ્યાજે લીધા હતા. તેઓ 1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ સાથે કુલ 1.19 કરોડ રૂપિયા ચૂકવવાની ધમકી આપતા હતા. આ ઘટનામાં વ્યાજખોર મિત્રતામાં દંપતીને ભોળવતો હતો, પહેલાં કહેતો હતો કે પૈસા લઇ જાઓને, કોઈ ચિંતા ના કરો, પણ જ્યારે દંપતી પોતાના દાગીના લેવા પરત ગયું તો ફરી ગયો હતો.
49 લાખના 1.19 કરોડ કર્યા
એક તરફ, ગુજરાત સરકારની ગેરકાયદે નાણાં ધીરધાર પ્રવૃત્તિ સામે મેગા અભિયાન ચલાવી રહ્યું છે. ત્યારે નવસારી વિજલપોરમાં વ્યાજખોર જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. જગદીશ મોદીના વ્રજ જવેલર્સમાં મહિલાએ દાગીના ગીરવી મૂકી ધીમે ધીમે 49 લાખ રૂપિયા 1 ટકા વ્યાજે લીધા હતા. વ્યાજખોર અને તેના ભાઈએ બાદમાં મહિલાને 1 ટકાને બદલે 2.5 ટકા વ્યાજ આપવા દબાણ કર્યું હતું, જેથી ભોગ બનનારી મહિલાએ વ્યાજખોર જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી વિરુદ્ધ વિજલપોર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે. બંને ભાઈઓ સામે 49 લાખ તથા અઢી ટકા વ્યાજ પ્રમાણે 70 લાખ મળી કુલ 1.19 કરોડ રૂપિયા ચૂકવવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે.
2.5 ટકા વ્યાજની માગ કરી ધમકીઓ આપી
ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે વ્યાજે નાણાં લેતી વખતે એક ટકા જ વ્યાજની વાત થઈ હતી. માતા પતિના મિત્ર હોવાથી અમે વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ પાછળથી 2.5 ટકા વ્યાજની માગ કરીને અમને ધમકીઓ આપે છે. અમે પોલીસમાં ગયા તો રાજકીય વગ ધરાવતા વ્યાજખોરે એમ કહ્યું કે આ લોકો ખોટું બોલે છે. મેં તેમની જોડે કોઇ વ્યવહાર કર્યો નથી, હું તેમને ઓળખતો પણ નથી. રાજ્ય સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશ બાદ અંતે અમે વ્યાજખોર જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી સામે ફરિયાદ નોંધાવી છે.
હું કોર્ટમાં જવાબ આપીશ: જગદીશ મોદી
આ અંગે વ્યાજખોર જગદીશ મોદીએ જણાવ્યું હતું કે હું છેલ્લાં 13 વર્ષથી સરકારના કાયદા મુજબ આ ધંધો કરું છું. અત્યારસુધી આવું કંઇ જ નથી થયું. તમામ આક્ષેપો અને ફરિયાદ પાયાવિહોણી છે. મેં કોઇ વ્યવહાર કર્યો નથી છતાં રાજકીય કિન્નાખોરી રાખીને મારા પર ફરિયાદ થઈ છે, તો એનો જવાબ હું વકીલ દ્વારા કોર્ટમાં આપીશ
ગઢડામાં વ્યાજખોરોના ત્રાસથી રત્ન કલાકારે જીવન ટૂંકાવ્યું
બોટાદના ગઢડામાં વ્યાજખોરોના ત્રાસથી રત્ન કલાકારે પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ગઢડા રોડ પર રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા અને વ્યાજના વિષચક્રમાં ફસાયેલા અશોક રાઠોડે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. સમગ્ર મામલે તપાસ કરતાં જાણવા મળ્યું છે કે વ્યાજખોર દક્ષા રબારી, જિતુ રાજપૂત, ગોવિંદ ડાંગર પાસેથી રૂપિયા લીધા હતા અને રત્ન કલાકારે રૂપિયા ભરી દીધા છતાં પણ વધુ પઠાણી ઉધરાણી કરતાં અંતિમ પગલું ભર્યું છે. સમગ્ર મામલે મૃતક રત્ન કલાકારની પત્નીએ મહિલા સહિત 4 સામે નોંધાવી ફરિયાદ. આ ચાર વ્યાજખોરને ઝડપી લેવા માટે પોલીસે તપાસ પણ શરૂ કરી છે.
ગાંધીનગરમાં 15 વ્યાજખોર સામે ગુનો દાખલ
ગાંધીનગરના સેકટર - 1માં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીએ ધંધાર્થે અલગ અલગ લોકો પાસેથી બેથી પાંચ ટકા લેખે 60 લાખ વ્યાજે લીધા હતા, જેનું સમયસર વ્યાજ ચૂકવવા છતાં દેવું ભરપાઈ નહીં થતાં વ્યાજખોરો પૈસાની ઉઘરાણી કરીને ત્રાસ આપતા હતા, એને પગલે વેપારીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યા પછી ગૃહત્યાગ કરવાની નોબત આવી હતી. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ વ્યાજખોરો સામે લાલ આંખ કરતાં જ વ્યાજના ચક્કરમાં ફસાયેલા કરિયાણાના વેપારીએ 15 વ્યાજખોરો સામે નવેમ્બર મહિનામાં આપેલી અરજીના અનુસંધાને સેકટર - 21 પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.