ચોરી:કબીલપોરમાં માતાજીના મંદિરમાંથી દાગીના સહિત 47હજારની મતાની ચોરી, તસ્કરો CCTVમાં કેદ

નવસારી‎16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના દાગીના, છત્ર અને દાનપેટી તોડી તો ધારાગીરીમાં મળસ્કે ફ્લેટનો નકુચો કાપી ચોરીને અંજામ આપ્યો

શિયાળાની ઋતુની જ જાણે તસ્કરો રાહ જોતા હોય તેમ નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ચોરીની બે ઘટના એક જ દિવસે ઘટી હતી. જેમાં કબીલપોર વિસ્તારમાં આવેલ અગાસી માતાના મંદિરમાં મધરાતે મોપેડ પર આવેલા 3 તસ્કરે મંદિરમાં ભગવાનના દાગીના, છત્ર, મુગટ, પાદુકા, શિવલિંગ ઉપર ચાંદીના ઢોળાવવાળા 1 કિલોના નાગની પણ ચોરી થઈ હતી. તસ્કરો 5 મિનિટમાં જ આ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનું સીસીટીવી કેમેરામાં કેદ થયું હતું. આ ઉપરાંત ધારાગીરીના એક એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી 50 હજારની ચોરી થઈ હતી.

નવસારીના વોર્ડ નંબર-5મા આવેલ કબીલપોર જુની ગ્રામ પંચાયતની બાજુમાં અગાસી માતાજીનું મંદિર આવેલું છે. લોકફાળાથી બનેલ અગાસી માતાજીના મંદિરનું ફેબ્રુઆરી માસમાં જ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ મંદિરમાં મંગળવારની રાત્રિએ 1.12 વાગ્યાના અરસામાં મોપેડ પર આવેલા 3 તસ્કરોએ મંદિરના ગેટને તાળું મારેલ સ્ટીલના અડગરાને પણ વાંકુ કરી ગેટ ખોલી મંદિરમાં પ્રવેશ કર્યો હતો.

મંદિરમાં માતાજીના મૂર્તિના મુગટ અને છત્ર અને શિવલિંગ પરનો 1 કિલો ચાંદીનો નાગ બે તસ્કરે ચોરી લીધો હતો. ઉપરથી ઓછું હોય તેમ દાનપેટી પણ તોડી તેમાં મુકેલ રોકડ 15 હજાર મળી કુલ રૂ. 46700ની ચોરી 3 તસ્કર કરી ગયાની ફરિયાદ ગ્રામ્ય પોલીસ મથકે પૂજારી જયભાઈ નરેશભાઈ પાઠક (રહે.નવસારી)એ આપતા પીઆઇ ડી.કે.પટેલ તપાસ કરી રહ્યાં છે.

તસ્કરો શું-શું ચોરી ગયા...
તસ્કરો મંદિરમાંથી ચાંદીનું છત્ર રૂ. 15000, ચાર માતાજીના મુગટ કિંમત રૂ. 4700, એક નાના મુગટ કિંમત રૂ. 3000, ચાંદીની પાદુકા કિંમત રૂ. 4000, ચાંદીના ઢોળાવવાળો તાંબાનો નાગ કિંમત રૂ. 5000 અને દાનપેટીમાં 15 હજાર રોકડ મળી કુલ રૂ. 46700ની ચોરી ગયા હતા.

ધારાગીરીના યોગીરાજ એપાર્ટમેન્ટના ફ્લેટમાં ચોરી
કબીલપોરમાં આવેલા મંદિરમાં ચોરીની ઘટના બાદ મળસ્કે ધારાગીરી વિસ્તારમાં આવેલા યોગીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેશભાઈ લાખાણીના ફ્લેટમાં તસ્કરોએ નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના મળી અંદાજે 40 હજારની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ ઘટના અંગે પોલીસને જાણ કરાઇ હતી.

ફેબ્રુઆરીમાં નવું મંદિર બનાવ્યું હતું
કબીલપોર અને આસપાસના વિસ્તારોમાં લોકોએ દાન આપતા અગાસી માતાજીનું મંદિર લોક ફાળાથી બનાવ્યું હતું. ફેબ્રુઆરી માસમાં જ જુના મંદિરનો જીર્ણોદ્ધાર કરી દર્શન માટે ખુલ્લુ મૂક્યું હતું. સવારે મંદિરની સાફસફાઈ માટે આવતા લોકોએ જણાવ્યું કે તાળુ તૂટેલું છે.

જેની જાણ અમને કરાઈ અને અમે પોલીસને જાણ કરી હતી. જેમાં 3 તસ્કર મોપેડ પર આવી ચોરી કરી ગયાનું સીસીટીવીમાં દેખાયું હતું. પોલીસ વિભાગના અધિકારીઓએ આવીને તપાસ શરૂ કરી છે. -પરેશભાઈ પટેલ, ટ્રસ્ટી, અગાસી માતાજી મંદિર

5 મિનિટમાં જ ચોરી કરી ફરાર
કબીલપોર અગાસી મંદિરમાં ચોરી કરવા 3 તસ્કર મોપેડ પર આવ્યા હતા. રાત્રિના 1.10 કલાકે આવ્યા બાદ સ્ટીલના નકુચાવાળો અડાગરો વાંકો વાળી મંદિરમાં પ્રવેશ કર્યો, 1.12 કલાકે મંદિરમાં આવ્યાં, 1.15 કલાકે ચોરી કરી ગયાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આમ 5 મિનિટમાં જ 3 તસ્કરે ચોરીને અંજામ આપ્યો હતો. જેમાં બે તસ્કરે મોઢે રૂમાલ બાંધેલો હતો અને એકનું મોઢું ખુલ્લું હતું. મંદિરમાં ચોરી કરવા આવ્યાં ત્યારે ચંપલ-બુટ બહાર કાઢ્યા હોવાની માહિતી મળી છે.

અન્ય સમાચારો પણ છે...