મહુવા તાલુકાના ગોળીગઢના મેળામાં નવસારી એસટી બસ ડેપો દ્વારા વધારાની બસ દોડાવવામાં આવી હતી જેને લઇ એક જ દિવસમાં 278 ટ્રીપો કરી એસટી નવસારીએ રૂ.4.45 લાખની અવક તિજોરીમાં જમા કરાવી હતી. ગત વર્ષે ગોળીગઢના મેળા માટે યોગ્ય આયોજનના અભાવે બસની ટ્રીપ ઓછી થઇ હતી પણ આ વર્ષે એસટી ડેપોના નવા મેનેજર કલ્પેશ ગાંધીના માર્ગદર્શન હેઠળ વધારાની ટ્રીપોનું આયોજન કરી માતબર રકમ જમા થઇ હતી.
મહુવા તાલુકાના ગોળીગઢ ગામે તા.5 માર્ચના રોજ ગોળીગઢ બાપાના મેળા માટે અવિરત પણે જીરો વેઇટીંગ ટાઇમ સાથે એક્સ્ટ્રા બસોનું સંચાલન નવસારી એસટીડેપો દ્વારા કરવામાં આવ્યું હતું. આ બાબતે નવસારી એસટી ડેપોના મેનેજર કલ્પેશ ગાંધીના જણાવ્યા મુજબ રવિવારના રોજ કુલ 278 ટ્રીપો કરવામાં આવી હતી.
જેનો અંદાજિત 8949 કીલોમીટર બસ દોડી હતી. આશરે 10 હજાર જેટલા ભક્તોજનોએ પરિવહનનો લાભ લીધો હતો. એક જ દિવસમાં કુલ 4.45 લાખ આવક નવસારી ડેપોને થઇ હતી. ગોળીગઢના મેળાની આવક સાથે રવિવારે નવસારી ડેપોની આવક 12 લાખ જમા થઇ હતી. નવસારી એસટી ડેપોના સ્ટાફ કમલેશ પટેલ સહિત સુપરવાઇઝર સ્ટાફ, મિકેનિકલ સ્ટાફ, ડ્રાઇવર કન્ડક્ટર સ્ટાફ સહિત નવસારી એસટી ડેપોના તમામ સ્ટાફના સહિયારા પ્રયાસથી સંચાલન સફળ કર્યું હતું.
ગત વર્ષે ગૃહમંત્રીના કાર્યક્રમમાં નવસારી એસટીડેપોની બસ ગઇ હતી જેના કારણે ગોળીગઢના મેળામાં અેસટી બસ નું સંચાલન યોગ્ય રીતે થઈ શક્યું ન હતું. પણ કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષે યોગ્ય વાતાવરણ હોય નવસારી એસટી ડેપોના મેનેજરના માર્ગદર્શન હેઠળ ગોળીગઢના મેળામાં વધારાની બસ દોડાવી એક જ દિવસમાં 4.45 લાખ આવક થઇ હતી. જેની સાથે જ એક જ દિવસમાં એસટી ડેપો નવસારી તિજોરીમાં 12 લાખ આવક જમા થઇ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.