નવસારી જિલ્લાની 42 ગ્રામ પંચાયતોની મુદત પૂર્ણ થઈ છે પણ હજુ નવી ચૂંટણીની જાહેરાત નહીં થતા હાલ તમામમાં વહીવટદારની નિમણુક કરવી પડી છે. નવસારી જિલ્લામાં આવેલી અઢીસોથી વધુ ગ્રામ પંચાયતોની મુદત પૂરી થતાં ચૂંટણી એકાદ વર્ષ અગાઉ થઈ ગઈ હતી.જોકે કેટલીક પંચાયતોની મુદત પૂર્ણ ન થતાં ચૂંટણી કરાવાઈ ન હતી. મળતી માહિતી મુજબ હાલ માર્ચ 2023માં જિલ્લાની 35 ગ્રામ પંચાયતોની મુદત એક પછી એક પૂર્ણ થઈ છે જેમાં તાલુકાવાર જોઈએ તો નવસારીમાં 2, જલાલપોરમાં 3, ગણદેવીમા 10, ચીખલીમાં 2 અને વાસદામાં તાલુકાની 18 પંચાયતો છે.
મુદત પૂર્ણ થઈ હોવા છતાં નવી ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી. જેને લઇને ઉકત તમામ પંચાયતોમાં વહીવટદારની નિમણુક કરવી પડી છે. વધુ ઉલ્લેખનીય બાબત તો એ છે કે 7 ગ્રામ પંચાયતની મુદત તો ગત એપ્રિલ અને મે 2022માં પૂરી થઈ ગઈ હતી,જેને 10થી 11 મહિના થયા છતાં હજુ ચૂંટણી કરાવાઈ નથી. આ સ્થિતિમાં ઉકત 7 ગ્રામ પંચાયતોમાં પણ રૂટિન વહીવટ માટે ઘણાં સમયથી વહીવટદારનું જ શાસન છે. ઉકત ગામોમાં આગામી સામાન્ય ચૂંટણીની કાગડોળે રાહ જોવાઇ રહી છે.
મળતી માહિતી મુજબ ભૂતકાળમાં આવી સ્થિતિ મહદઅંશે પેદા થઇ ન હતી. પંચાયતની મુદત પૂરી થાય તે અગાઉ અથવા તે અરસામાં જ નવી ચૂંટણીની જાહેરાતો થઇ જતી અને અનિશ્ચિતતાનો અંત પણ આવી જતો હતો.
હાલ મુદત પૂર્ણ થયેલ 35 ગ્રામ પંચાયતો ની યાદી
નવસારી : દંડેશ્વર, તરસાડી
જલાલપોર : આસણા, સિસોદ્રા આરક, દેલવાડા, અલુરા, વડોલી જૂથ
ચીખલી : કણભાઇ, સતાડીયા
ગણદેવી : અમલસાડ, સરીબુજરંગ, સરીખુર્દ, એંધલ, અંચેલી, મોહનપુર, પીંજરા, તલોધ, તોરણગામ, વેગામ-વગલવાડ
વાંસદા : અંકલાછ (જૂથ), લાકડબારી, ગંગપુર, ઉમરકુઇ, મીંઢાબારી, કુકડા, કુરેલીયા, હોલીપાડા, ગોંધાબારી, ચૌંઢા, કાવડેજ, પીપલખેડ, રવાણીયા, વાઘાબારી, પાલગભાણ, ચઢાવ, કંબોયા, દોલધા.
ઓબીસી રિઝર્વેશન મુદ્દે મડાગાંઠનું કારણ ?
ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં થઈ રહેલ વિલંબનું કારણ ઓબીસી રિઝર્વેશન મુદ્દે મડાગાંઠનું છે. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી આરક્ષણ માટે એક આયોગનું ગઠન કરવામાં આવ્યું છે. જોકે આયોગનો નિર્ણય હજુ આવ્યો નથી, જેથી વિલંબ થઇ રહ્યો છે.
10 મહિના અગાઉ મુદત પૂર્ણ થયેલ
કૃષ્ણપુર, પનાર, કણિયેટ ચોરમલા ભાઠા, દાંતી, મહુવાસ, આંબાબારી (જૂથ)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.