વિવાદ:નવસારીમાં ફટાકડાની અદાવતમાં યુવાન પર 4નો હથિયારથી હુમલો

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઝપાઝપીમાં હુમલાખોર યુવાન સહિત બે જણાને ઇજા થઇ

નવસારીમાં રૂસ્તમવાડીમાં રહેતા અને જીમ ચલાવતા યુવાન સાથે મિથીલાનગરીમાં રહેતા યુવાનો સાથે દિવાળી પર્વ દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો. બાદમાં સમાધાન થયું હતું. જેની અદાવત રાખી આ યુવાન એકલો બાઇક પર જતો હતો ત્યારે દાબુ હોસ્પિટલની પાછળના ભાગે આવેલ વિસ્તારમાં ઘેરી ચપ્પુ વડે હુમલો કરતા યુવાનને ગંભીર ઇજા થઇ હતી. આ હુમલામાં હુમલાખોર એક યુવાનને પણ ચપ્પુ વાગતા ઈજા પહોંચી હતી. આ લખાય છે ત્યારે બન્ને પક્ષે સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

નવસારીના રૂસ્તમવાડીમાં દિવ્યેશ કનૈયાભાઈ કહાર માતા અને અન્ય બે ભાઈ સાથે રહે છે. દિવ્યેશ દાંડીવાડમાં જીમ ચલાવે છે. દિવાળીના પર્વ દરમિયાન દિવ્યેશ કહાર તેમના મિત્રના ઘરે ગયો હતો. જ્યાં મિથીલાનગરીમાં રહેતા સાહિલ ટંડેલ, કિશન પટેલ, મયુર નામના યુવાનો સાથે ફટાકડા ફોડવા બાબતે બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. બાદમાં સ્થાનિક આગેવાનોની મધ્યસ્થીમાં સમાધાન થયું હતું.

મંગળવારે સાંજે દિવ્યેશ કહાર બાઇક લઈને દાબુ હોસ્પિટલના પાછળના ભાગેથી પસાર થતો હતો ત્યારે સાહિલ ટંડેલ અને તેના મિત્રો કિશન, મયુર સહિત ચાર યુવાને એકલા જતા દિવ્યેશ કહારને દિવ્યવસુંધરા એપાર્ટમેન્ટ નજીક આવેલ ભાથીજી મંદિર પાસે ઘેરી લઈને રેમ્બો ચપ્પુથી હુમલો કર્યો હતો. જેમાં દિવ્યેશ કહારને શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.

ઝપાઝપી દરમિયાન આ ચપ્પુ સાહિલ ટંડેલને વાગતા ઈજા થઈ હતી. દિવ્યેશ કહારે તેમના ભાઈ જીગ્નેશ અને ચેતનને જાણ કરતા તેઓ ઘટનાસ્થળે દોડી ઈજાગ્રસ્ત દિવ્યેશને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ ઘટના બાદ મિથીલાનગરી અને રૂસ્તમવાડી વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ઘટનાને પગલે નવસારી એલસીબી અને ટાઉન પોલીસ સિવિલમાં ધસી આવીને કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...