ઓવરબ્રિજના અભાવે ટ્રાફિકજામ:જલાલપોરમાં 4 કલાકમાં જ સવા 4 અને નવસારીમાં અઢી ઇંચ વરસાદ

નવસારી6 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારીમાં ગરનાળામાં પાણીનો ભરાવો અને ટ્રાફિક જામની સ્થિતિ - Divya Bhaskar
નવસારીમાં ગરનાળામાં પાણીનો ભરાવો અને ટ્રાફિક જામની સ્થિતિ
  • નવસારીના અંડરબ્રિજમાં પાણી ભરાતા સવારે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ

મોડી રાત્રે 4 કલાકમાં જલાલપોર તાલુકામાં સવા 4 ઈંચ અને નવસારીમાં અઢી ઇંચ જેટલો વરસાદ ઝીકાયો હતો. મોડી રાતના વરસાદથી નવસારી અંડરબ્રિજમાં પાણી ભરાતા સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. નવસારી પંથકમાં ઘણા દિવસોથી વધુ વરસાદ પડ્યો ન હતો, છૂટાછવાયા સાધારણ ઝાપટા જ પડ્યા હતા.

જોકે ગુરૂવારે મોડી રાત્રે 12.30 કલાક બાદ વાતાવરણ પલટાયુ હતું. ગાજવીજ સાથે નવસારી અને નજીકના જલાલપોર તાલુકાના અનેક વિસ્તારમાં વરસાદ તૂટી પડ્યો હતો. રાત્રે 12થી 4 વાગ્યાના 4 કલાકમાં જ જલાલપોર તાલુકામાં તો સવા 4 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો.એટલું જ નહીં પણ નવસારીમાં પણ અઢી ઇંચ પાણી પડ્યું હતું. મોડી રાત્રિના વરસાદની અસર શુક્રવારે સવારે નવસારીના સ્ટેશન વિસ્તારમાં જોવા મળી હતી.

અહીંના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. ફાટક ઉપરથી જ અવરજવર કરવાની ફરજ પડી હોય છે.આમ પણ સવારે પીકઅવર હોય છે ત્યારે રેલવે ફાટક ઉપરથી જવા બન્ને તરફ વાહનોની કતાર લાગી હતી. 11.15 કલાક બાદ અંડરબ્રિજમાંથી પાણી કઢાતા મુશ્કેલી હળવી થઈ હતી. રાત્રે વરસાદ બાદ શુક્રવારે દિવસ દરમિયાન નહિવત વરસાદ પડ્યો હતો અને ઉઘાડ જ રહ્યો હતો.

વાંસદા તાલુકામાં પણ પોણા બે ઇંચ
નવસારી જિલ્લામાં રાત્રે માત્ર નવસારી-જલાલપોર તાલુકામાં જ વરસાદ પડ્યો ન હતો, અન્ય તાલુકામાં પણ પડ્યો હતો. રાત્રે 8 વાગ્યાથી સવાર સુધીમાં વાંસદા તાલુકામાં પોણા 2 ઈંચ પડી ગયો હતો. આ ઉપરાંત ખેરગામમાં 5 મિ.મી., ગણદેવીમાં 3 મિ.મી., ચીખલીમાં 20 મિ.મી. ઝીંકાયો હતો.

હાલ વરસાદથી ખરીફ વાવેતરને ફાયદો
હાલ જે વરસાદ પડ્યો છે. તેનાથી જિલ્લામાં ખરીફ વાવેતરને ફાયદો થશે. છેલ્લા એક-બે અઠવાડિયામાં જ ડાંગર સહિત અન્ય પાકોનું વાવેતર વધુ થયું છે.

અન્ય સમાચારો પણ છે...