કોરોના ઇફેક્ટ:નવસારી મોક્ષ મંદિરમાં વર્ષ 2018 અને 19ના ઓગસ્ટમાં સરેરાશ 202 અગ્નિદાહ સામે આ વર્ષે 385 અંતિમસંસ્કાર

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવસારી વિરાવળ સ્મશાનભૂમિ - Divya Bhaskar
નવસારી વિરાવળ સ્મશાનભૂમિ
  • ગત બે વર્ષની સરખામણીએ જુલાઇમાં વિરાવળ સ્મશાનભૂમિમાં 46 ટકા વધુ અગ્નિદાહ બાદ ઓગસ્ટમાં 91 ટકાનો વધારો
  • ઓગસ્ટ-2020માં 183 અગ્નિસંસ્કાર વધુ થવાનું મુખ્ય કારણ કોરોનાના દર્દીના મૃત્યુદરમાં થયેલો વધારો પણ છે

નવસારીની સ્મશાનભૂમિમાં અગાઉના વર્ષની સરખામણીએ વર્તમાન સાલ ઓગસ્ટમાં 91 ટકા વધુ મૃત્યુ નોંધાયા હતા. હાલ કોરોનાના દર્દીઓના મૃત્યુને લઈ આ સંખ્યા વધી છે પરંતુ ચોક્કસ કોરોના પોઝિટિવના મૃત્યુ અંગે ગૂચવણ છે. નવસારી પંથકની સૌથી મોટી અને મુખ્ય સ્મશાનભૂમિ નવસારીની અડીને આવેલા વિરાવળમાં આવેલી છે. અહીં પંથકના સૌથી વધુ અગ્નિદાહ આપવામાં આવે છે. આમ તો દરરોજ અને દર મહિને અપાતા અગ્નિદાહની સંખ્યામાં બહુ મોટો તફાવત જોવા મળતો નથી અને મહિને 175 થી 190ની આસપાસ જ સંખ્યા રહે છે. જોકે હાલના સમયમાં પ્રથમવાર જ બહુ મોટો તફાવત જોવા મળ્યો છે.

અહીંના આંકડા જોઈએ તો જુલાઈના છેલ્લા બે વર્ષમાં સરેરાશ 185 અગ્નિદાહ અપાયા હતા,જેની સામે જુલાઈ 2020માં 271 અગ્નિદાહ અપાયા હતા, આમ 46 ટકા વધુ મૃત્યુ નોંધ સ્મશાનભૂમિમાં થઈ હતી. અહીં ઉલ્લેખનીય છે કે જુલાઈમાં તો 6 થી 7 દિવસ ગેસ ભઠ્ઠી બંધ હતી,જે ગણતરીમાં લઈએ તો જુલાઈમાં મૃત્યુમાં વધારો 55 ટકાથી વધી શકે છે.જોકે મૃત્યુની સંખ્યામાં ઘણો અને ચિંતાજનક વધારો ઓગસ્ટ મહિનામાં નોંધાયો છે. ઓગસ્ટ 2018 અને ઓગસ્ટ 2019 બે વર્ષમાં સરેરાશ 202 લાશ અગ્નિદાહ માટે નવસારી સ્મશાનભૂમિમાં આવી હતી, જેની સામે હાલ ઓગસ્ટ 2020માં તો 385 લાશ અગ્નિદાહ માટે આવી હતી,જે અગાઉના વર્ષના ઓગસ્ટની સરખામણી એ 91 ટકા વધારો દર્શાવે છે. ઓગસ્ટમાં જે ભારે વધારો થયો તેનું મહત્વનું કારણ કોરોના દર્દીના આ મહિનામાં થયેલા મૃત્યુ પણ છે. ઓગસ્ટ સુધી કોરોના દર્દીનો મૃત્યુદર સરકારી ચોપડે 10 ટકા હતો,જે એથીયે વધુ હોવાની શક્યતા છે.

કોરોનાના ચોક્કસ મૃતદેહની ગણતરી કરવામાં ગુંચવણ
નવસારીની સ્મશાનભૂમિમાં ચોક્કસ કેટલા કોરોના પોઝિટિવ દર્દીના મૃતદેહ આવ્યા તે બાબતે ચોક્કસ આંક મળતો નથી અને ગૂંચવણ છે. સ્મશાનભૂમિમાં 3 પ્રકારે કોરોનાના મૃતદેહ આવે છે,જેમાં શંકાસ્પદ, નેગેટિવ અને પોઝિટિવ એ રીતે દર્શાવાય છે. પોઝિટિવ તો સ્પષ્ટ કોરોના પોઝિટિવ દર્દીનું જ મૃત્યુ થયું એમ કહી શકાય પણ શંકાસ્પદ અને નેગેટિવમાં ગૂંચવણ છે. સમગ્ર નવસારી જિલ્લામાં ઓગસ્ટમાં 41 કોરોનાના દર્દીના મૃત્યુ સરકારી ચોપડે નોંધાયા હતા, જેની સામે નવસારીની વિરાવળ સ્મશાનભૂમિમાં જ 119 તમામ પ્રકારના કોરોનાના દર્દીના મૃતદેહ આવ્યા હતા. જોકે આમાં સ્પષ્ટ કોરોના પોઝિટિવ ઉપરાંત કોરોના નેગેટિવ અને કોરોના શંકાસ્પદ કેસના મૃત્યુ પણ હતા. જેમાં નેગેટિવ, શંકાસ્પદમાં ગૂંચવણ છે.ખાસ કરીને કોરોના નેગેટિવ જે દર્શાવાયા છે, તેમાં દર્દી પોઝિટિવ આવ્યા બાદ નેગેટિવ રિપોર્ટ બાદ મૃત્યુ પામ્યો કે પ્રથમથી નેગેટિવ જ કેસ હતો,તેની સ્પષ્ટતા નથી.

98 કાેરોના દર્દીના મૃત્યુ, સરકારી ચોપડે 7
નવસારી જિલ્લામાં કોરોના પોઝિટિવ આવલા દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. જોક આ કોરોનાના મોટાભાગના દર્દીઓ કોરોનાના કારણે નહીં પરંતુ અન્ય કારણે મૃત્યુ પામી રહ્યાનું સરકારી તારણ દર્શાવી રહ્યા છે. કોરોનાના જે 98 દર્દી મૃત્યુ પામ્યા હતા તેમાં માત્ર 7 દર્દી જ કોવિડથી મૃત્યુ પામ્યાનું આશ્ચર્યજનક રીતે સરકરી તંત્ર જણાવે છે. 91 કોરોનાના દર્દી તો અન્ય કારણોથી મૃત્યુ પામ્યાનું જણાવી ‘નોન કોવિડ ડેથ’માં દર્શાવાયા છે.

સપ્ટેમ્બરના 16 દિવસમાં જ 8 દર્દીના મૃત્યુ
નવસારી જિલ્લામાં સપ્ટેમ્બર મહિનામાં કોરોનાના દર્દીઓના મૃત્યુ ઓછા થયાનું સરકારી ચોપડે બતાવાઈ રહ્યું છે. બુધવારે સપ્ટેમ્બરના 16 દિવસ વિતી ગયા તેમાં 8 મૃત્યુ જ કોરોનાના દર્દીના સમગ્ર જિલ્લામાં થયાનું સરકારી આંક દર્શાવે છે. (ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં સરકારી તંત્ર મુજબ જિલ્લામાં 41 મૃત્યુ નોંધાયા હતા) ઓગસ્ટ મહિનામાં જયાં કોરોનાના દર્દીઓનો મૃત્યુદર 12.42 ટકા જેટલો ઉંચે ચિંતાજનક ગયો હતો ત્યાં સપ્ટેમ્બરમાં માત્ર 5.23 ટકા જ થઈ ગયાનું સરકારી આંક દર્શાવી રહ્યા છે. જોકે સપ્ટેમ્બરમાં તમામ કોરોનાના દર્દીના મૃત્યુ તંત્ર જાહેર કરે છે કે નહીં તે સામે સવાલો પણ ઉઠી રહ્યા છે.

બુધવારે કોરોનાના 5 કેસ, 11 દર્દી રિકવર, હજુ 92 કેસ એક્ટિવ
બુધવારે જિલ્લામાં કોરોનાના માત્ર 5 જ પોઝિટિવ કસ નોંધાયા હતા. જેમાં નવસારીના 2, ચીખલી તાલુકાના 3 કેસ હતા. ચીખલી તાલુકાના વંકાલમાં 2 અને અંબાચમાં એક કેસ નોંધાયો હતો. જિલ્લામાં 11 દર્દી વધુ રિકવર થતા કુલ રિકવર 878 અને એક્ટિવ કેસ 92 રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...