તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:નવસારી જિલ્લામાં મોંઘવારી મુદ્દે પ્રદર્શન કરે તે પહેલા જ BTP અને BTTSના 32 કાર્યકર ડિટેન

નવસારી, ખેરગામ, વાંસદા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે કોરોનાની ગાઇડલાઈનના ભંગ બદલ કેસ કર્યો અને મંજૂરી વગર કાર્યક્રમ કરતા કાર્યવાહી કરી

આદિવાસી સમાજના BTTS અને BTP સંગઠન દ્વારા હાલમાં દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે પેટ્રોલ-ડીઝલ તથા ગેસ સિલિન્ડર અને જીવનજરૂરિયાત ચીજવસ્તુના ભાવોમાં તોતિંગ વધારો કરી ગરીબોની કમર તોડી નાંખતા તેની સામે મોંઘવારીનો મહાયજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે સરકાર વિરુદ્ધ કોઈપણ કાર્યક્રમ કરે તે પહેલાં જ જિલ્લામાં 32 કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા અને તેઓને મોડી સાંજે છોડી દેવાયા હતા.

સરકાર સામે મોંઘવારી અને બેકારી બાબતે વિરોધ કરવું એ ગુનો બનતો હોય તેમ આજે આદિવાસી સંગઠન BTTS અને BTP દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કરતા જિલ્લામાં 32 કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા હતા. જેમાં નવસારી જિલ્લાના તમામ તાલુકામાં પ્રમુખ પંકજ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જિલ્લામાં મોંઘવારી મામલે પ્રદર્શન થાય તે પહેલા પોલીસ સતર્ક બની હતી અને પ્રદર્શન નહીં થાય તે માટે જિલ્લામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

નવસારી શહેરમાં લુન્સીકૂઈ મેદાન પાસે આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર પ્રતિમા પાસે મોંઘવારી અને બેકારી બાબતે મહાયજ્ઞનું આયોજન કરતા ટાઉન પોલીસે લુન્સીકૂઈ જઇ 3 સામાજીક કાર્યકરોને ડિટેન કર્યા હતા.

વાંસદા તાલુકાના હનુમાનબારી બિરસામુંડા સર્કલ પાસે વાંસદા બીટીટીએસ અને બીટીપી દ્વારા હવનનો કાર્યક્રમ અને જાહેર પ્રદર્શન કરવાની શક્યતાના પગલે વહેલી સવારે વાંસદાના સિનિયર પીએસઆઈ વિરેન્દ્રસિંહ વાઘેલા અને પીએસઆઇ એમ.આર.વાળા સ્ટાફ સાથે પહોંચી જઈ મહેન્દ્ર પટેલ, શિવરામ ભગરિયા, રાકેશ પટેલ, મહેન્દ્ર પઢેર, મહેન્દ્ર ગાયકવાડ, બિપીન પટેલ સહિત 8ને ડિટેન કરી ખાનગી તથા પીસીઆર વાહનમાં ધોલાઈ મરીન પોલીસ મથકે નજર કેદ રાખવામાં આવ્યાં હતા.

આમ નવસારી જિલ્લામાં વિરોધ કરતા બીટીટીએસ અને બીટીપીના નવસારી શહેરમાં 3, ગણદેવીમાં 4, ચીખલીમાં 5, વાંસદામાં 8 અને ખેરગામમાં 12 કાર્યકરને ડિટેન કર્યાનું જિલ્લા પોલીસે જણાવ્યું હતું.

ભાવવધારાના વિરોધમાં બેનર સ્વાહા કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો
ખેરગામ તાલુકાના પાણીખડક સર્કલ પાસે બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. બીલીમોરાના સીપીઆઈ સહિતના પોલીસ અધિકારીઓ વહેલી સવારે ખેરગામ ધસી આવ્યાં હતા અને ખેરગામ BTTSના પ્રમુખ સહિત ત્રણને ડિટેન કર્યાં હતા.

કેટલાક કાર્યકરોએ ખેરગામના પાણીખડક સર્કલ પાસે પેટ્રોલ-ડીઝલના ભાવ, ખાદ્યતેલનો ભાવવધારો, રાંધણગેસના સિલિન્ડરનો ભાવ વધારોના વિરોધના વિવિધ બેનર બનાવી મહાયજ્ઞોમાં બેનોરો સ્વાહા કરી સરકારનો વિરોધ કર્યો હતો. ખેરગામમાં મોટી સંખ્યામાં કાર્યકરો આવતા તેમની કોરોનાના જાહેરનામા ભંગના કેસ હેઠળ 12 કાર્યકરોની અટક કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...