નવસારી જિલ્લામાં ડિસેમ્બર મહિનામાં યોજાનાર 310 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 677483 મતદારો મતદાન કરશે.જિલ્લામાં ડિસેમ્બર 2016માં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીની મુદત હવે પૂર્ણ થવા જઈ રહી છે જેને લઈને ચૂંટણી વિભાગે આગામી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ તો ચૂંટણી વિભાગે વિધિવત ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો નથી પણ ડિસેમ્બરમાં ચૂંટણી થવાના દિશાનિર્દેશ અવારનવાર આપી દીધા છે. સમગ્ર રાજ્યમાં હજારો ગ્રામ પંચાયતોની ચૂંટણી ડિસેમ્બરમાં થશે, જેમાં અહીંના નવસારી જિલ્લાની 310 ગ્રામ પંચાયતો પણ સમાવેશ થાય છે.
આ 310 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં જિલ્લાના 677483 મતદારો ભાગ લેશે. આ ચૂંટણીમાં જિલ્લાના કુલ 861 મતદાન મથકો (બુથ) ઉપર મતદાન થશે. અહીં ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયતોમાં સરપંચ ઉપરાંત વોર્ડ સભ્યોની ચૂંટણી માટે પણ મતદાન થશે.જિલ્લામાં 310 સરપંચની બેઠકો ઉપરાંત 2708 વોર્ડ સભ્યોની બેઠકો માટે પણ મતદાન થશે. અહીં ઉલ્લેખનીય છે કે જિલ્લામાં આમ તો કુલ 360 ગ્રામ પંચાયતો છે જેમાં અન્ય 50 પંચાયતોમાં હાલ ચૂંટણી થઈ રહી નથી.
હવે નજીકમાં કાર્યક્રમ જાહેર થશે
આમ તો ચૂંટણી વિભાગે ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીના સંકેત આપી દીધા છે પરંતુ તારીખ જાહેર કરી નથી. હવે એકાદ અઠવાડિયાની અંદર ચૂંટણીનો વિધિવત કાર્યક્રમ જાહેર થશે એવી શક્યતા છે. સરકારની 18મીથી શરૂ થયેલ આત્મનિર્ભર ગ્રામયાત્રા પણ પૂરી થઈ છે.
8 પંચાયત પાલિકામાં ભળતા ચૂંટણી નહીં
આમ તો જિલ્લામાં 318 ગ્રામ પંચાયતોની મુદત પૂરી થઈ રહી હોય ચૂંટણી થનાર હતી પરંતુ નવસારી શહેરને અડીને આવેલા 8 ગામની પંચાયતો નગરપાલિકામાં ભળી જતા ચૂંટણી થશે નહીં. આ પંચાયતોમાં ઈંટાળવા, જમાલપોર, તીઘરા, વિરાવળ, કાલિયાવાડી, કબીલપોર, ચોવીસી અને છાપરાનો સમાવેશ થાય છે.
ઇવીએમ નહીં, બેલેટ પેપરથી જ મતદાન
આમ તો છેલ્લા કેટલાય વર્ષોથી નવસારી જિલ્લામાં પણ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા જેવી કે નગરપાલિકા કે જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમથી જ મતદાન થતું આવ્યું છે. જોકે હજુ સુધી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઈવીએમ વપરાયું નથી, બેલેટ પેપર (કાગળ, મતપેટી)થી જ મતદાન થયું છે. આગામી ચૂંટણીમાં પણ ‘બેલેટ પેપર’થી જ મતદાન થશે.
વિધાનસભા અગાઉની સૌથી મોટી ચૂંટણી
જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો ઉપરાંત નગરપાલિકાઓની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બર-2022માં આવનાર છે ત્યારે આ દરમિયાનના એક વર્ષમાં બીજી કોઈ મોટી ચૂંટણી નથી. આ સ્થિતિમાં વિધાનસભા અગાઉની આજ ગ્રામ પંચાયતોની સૌથી મોટી ચૂંટણી રહેશે.
તાલુકાવાર મતદારોની સ્થિતિ | ||
તાલુકો | ગ્રા.પં. | મતદાર |
નવસારી | 50 | 70,285 |
જલાલપોર | 55 | 97,549 |
ગણદેવી | 54 | 117,055 |
ચીખલી | 65 | 198,598 |
ખેરગામ | 22 | 52,152 |
વાંસદા | 64 | 141,844 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.