હળપતિ સમાજનું નામ રોશન કર્યુ:વિજલપોરની વૃદ્ધ મહિલાને એથ્લેટીક્સ સ્પર્ધામાં 3 મેડલ

દાંડીરોડ13 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિજલપોરની હળપતિ સમાજની 75 વર્ષીય વૃદ્ધ મહિલાએ જિલ્લાકક્ષાની બહેનોની સિનિયર સિટીઝન આઝાદી કા અમૃત મહોત્સવ એથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ ત્રણ મેડેલો પ્રાપ્ત કરી વિજલપોર તથા હળપતિ સમાજનું નામ રોશન કર્યુ છે.

નવસારી સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઈસ્કૂલમાં આઝાદી કા અમૃત મહોત્સવ,જી-20 અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત સ્પોર્ટસ્ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા જિલ્લા સિનિયર સિટીઝન સ્પર્ધા (બહેનો) માટે આયોજન કરવામાં આવી હતી.

જેમાં વિજલપોર સમોદીયા ફળિયાની હળપતિ સમાજની આદિવાસી 75 વર્ષીય મહિલા રામીબેન બાબુભાઈ હળપતિએ ચક્રફેંક, બચ્છીફેંક તથા ગોળાફેંક જેવી ત્રણ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ત્રણેય સ્પર્ધા પૈકી રામીબેને ચક્રફેંક તથા બચ્છીફેંકમાં સિલ્વર તથા ગોળાફેંકમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર હળપતિ સમાજનું નામ જિલ્લા કક્ષાએ રોશન કર્યુ છે.

રામીબેને અગાઉ પણ સિનિયર સિટીઝન એથ્લેટીકસ સ્પર્ધામાં ભાગ લઈ મેડલો પ્રાપ્ત કર્યા હતા. 75 વર્ષની વયોવૃધ્ધ ઉંમરે પણ તેઓ આવી સ્પર્ધામાં ભાગ લઈ હળપતિ તથા અન્ય સમાજની મહિલાઓ માટે પ્રેરક અને પ્રેરણાત્મક ઉદાહરણ પુરૂં પાડી રહ્યાં છે. હાલ રામીબેને મેળવેલી આ સિદ્ધિ બદલ સમગ્ર હળપતિ સમાજે અભિનંદન પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...