દિવાળીના તહેવાર હોવાથી ગર્ભવતી દીકરીને સાસરેથી તેડીને પરત આવી રહેલા પિતાની કારને ધૂલિયા-સુરત રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર કોંડાઈબારી ઘાટીમાં અકસ્માત નડ્યો હતો. ટ્રકચાલકે કારને અડફેટમાં લેતાં કાર 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. કારમાં સવાર 4 પૈકી 3નાં મોત નીપજ્યા હતાં. ઘટનામાં દીકરી - જમાઈ અને સસરાનું મોત નીપજ્યું હતું. મરણ પામેલી દીકરી 7 માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત શહેરના ઉધના વિસ્તારમાં પરણાવેલી દીકરી 7 માસની ગર્ભવતી હોઈ, જેને દિવાળી કરવા માટે પોતાના ઘરે ધૂલિયા કાર નં(MH-18W-2390) તેડીને પરત આવી રહ્યા હતા, ત્યારે સુરત-ધૂલિયા હાઈવે પર કોંડાઈબારી ઘાટ પસાર કરી રહ્યા હતા ત્યારે બેફામ આવતી ટ્રકના ચાલકે કારને અડફેટમાં લીધી હતી. આ અકસ્માતમાં કાર ફંગોળાઈને સીધી 30 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી. સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગોરખ સોનુ સરખ (45) (મહિર તા. સાકરી જિ. ધૂલિયા) પ્રફુલ સુરેશ વાઘમોડે (35), મનીષા પ્રફુલ વાઘમોડે (21) (બંને રહે. સુરત)નાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે કારમાં સવાર નાની બહેન નિકિતા ગોરખ સરખ (15) (રહે. મહિર તા. સાકરી, જિ. ધૂલિયા)ને ગંભીર ઈજા થઈ હતી. ઘટના અંગે જાણ થતાં પોલીસ તેમજ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. અકસ્માત સર્જી ટ્રકચાલક ફરાર થઈ ગયો હતો. વીસરવાડી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.
મોતને ભેટનાર મહિલા 7 માસની ગર્ભવતી હતી
સુરતથી ધૂલિયા જઈ રહ્યા હતા ત્યારે કોંડાઈબારીના ઘાટમાં ગોઝારા અકસ્માતમાં મોતને ભેટેલી મનીષા વાઘમોડે સાત માસની ગર્ભવતી હતી, જેનું પીએમ કરવા સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા, ત્યાં મનીષાના ગર્ભમાં દીકરો હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું.
તંત્રના પાપે એક જ સ્થળે બીજો અકસ્માત
સુરત–ધૂલિયા રાષ્ટ્રીય ધોરી માર્ગનું વિસ્તરણ કાર્ય મંથરગતિએ અને કોઈની દેખરેખ વિના ચાલતું હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. રોડ બનાવતી એજન્સીએ રોડ પર કોઈ સુરક્ષાને ધ્યાનમાં લીધી નથી. આજ રોજ જે સ્થળે અકસ્માત થયો હતો, એ સ્થળે એક મહિના પહેલાં સુરતના બે ટ્રાવેલ્સનો અકસ્માત સર્જાયો હતો, જેમાં 5 વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં અને 35 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આવી ગંભીર ઘટના બન્યા બાદ પણ કોઈ અધિકારીએ ઘટનાને ગંભીરતાથી લીધી ન હતી, જેને પરિણામે આજે ફરી એક ગોઝારો અકસ્માત સર્જાતાં 3 વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જે મોત પાછળ એજન્સી અને નેશનલ હાઈવે અધિકારીઓઓ જવાબદાર હોઈ, જેમના વિરુદ્ધ ગુનો નોંધવાની લોકો માગ કરી રહ્યા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.