દુર્ઘટના:વિરાવળની પૂર્ણા નદીમાં 3 મિત્રો નહાવા પડ્યા, 1નું ડૂબી જતા મોત

નવસારી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો

નવસારીમાં કાશીવાડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી યુવાન પગાર થતા તેના મિત્રો સાથે ફરવા ગયા બાદ ઘરે રાત્રિ પરત ફર્યો ન હતો. તેની પૂર્ણાં નદીમાંથી લાશ મળી આવી હતી. આ ઘટના બાદ તેના બે મિત્ર ગાયબ થઈ જતા પોલીસ આ બાબતે તપાસ કરે તેવી માંગ આ વિસ્તારમાં રહેતા લોકો કરી રહ્યા છે. નવસારીમાં કાશીવાડીમાં રહેતા કનૈયાભાઈ રાઠોડનો પુત્ર અજય રાઠોડ (ઉ.વ. 23) વિરાવળ સ્થિત એપીએમસી માર્કેટમાં છૂટક મજૂરી કામ કરતો હતો. અજય 5મી જુલાઈએ માર્કેટમાં ગયા બાદ ઘરે પરત ન આવતા તેના ઘરવાળાઓએ શોધખોળ કરી હતી પરંતુ તે મળી આવ્યો ન હતો. સોમવારે વિરાવળ ગામે પસાર થતી પૂર્ણાં નદીમાંથી લાશ મળી આવી હતી. આ લાશ કાશીવાડીના અજય રાઠોડ તરીકે ઓળખ થતા નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જાણ કરી હતી.

મિત્રને ડૂબતો છોડી જનારા ઘરેથી ગાયબ
કાશીવાડીના મૃતક અજય રાઠોડનો પગાર થયો હોય તેના બે મિત્ર અલ્પેશ ઉર્ફે અપ્પુ રાઠોડ અને કિશન રાઠોડને વિરાવળ બોલાવ્યા હતા. ત્રણેય મોજશોખ કર્યા બાદ નદીમાં નાહવા પડ્યા હતા. બાદમાં બે મિત્ર ઘરે ગયા પરંતુ અજય ઘરે ગયો ન હતો. જેથી આ બંને યુવાને અજયના ઘરે જાણ કરી ન હોવાની ચર્ચા સાથે આ બંને યુવાન ઘરેથી ફરાર હોવાની માહિતી પણ મળી છે. પોલીસ આ યુવાનોની તપાસ કરે તો ઘટના કઈ રીતે બની એ જાણી શકાશે.

અન્ય સમાચારો પણ છે...