નવસારી જિલ્લામાં 2000થી 2005ના અરસામાં 3 ટાઇડલર ડેમની યોજના બની, જેમાં એકમાત્ર દેવધા ડેમ ઝડપથી બની ગયો હતો, જ્યારે અન્ય બે ડેમ પૂર્ણાં અને વાઘરેચ ડેમની યોજના બન્યાને 17થી 20 વર્ષ વિલંબ થયો છે. નવસારી જિલ્લામાં ત્રણ મુખ્ય મોટી નદીઓ પસાર થાય છે, જેમાં પૂર્ણાં,અંબિકા અને કાવેરી નદીનો સમાવેશ થાય છે.
આ ત્રણેય નદીઓ ઉપર દરિયાઈ ખારાશને આગળ વધતી અટકાવવા, પાણીના સ્તર ઉપર લાવવા તથા પીવાના પાણી અને સિંચાઇની સગવડ માટે અલગ અલગ ત્રણ જગ્યાએ 2000થી 2005ના અરસામાં ટાઇડલર ડેમ બનાવવાની યોજના આગળ ધપાવાઇ હતી. પૂર્ણાં નદી ઉપર અલુરા-બોદાલી નજીક, અંબિકા નદી ઉપર દેવધા ખાતે અને કાવેરી નદી ઉપર વાઘરેચનું સ્થળ નક્કી કરાયું હતું.
નવસારી જિલ્લામાં બનનાર આ 3 ડેમમાં દેવધા ડેમ યોજના બન્યાં બાદ ઝડપથી 2005 પહેલા જ તે વખતના સ્થાનિક ધારાસભ્ય કરશન પટેલ વગેરેની સક્રિયતાથી બની પણ ગયો હતો, જ્યારે અન્ય બે પૂર્ણાં ટાઇડલર અને વાઘરેચ ડેમ 17 થી 20 વર્ષ વિલંબાયા છે. આખરે 17 વર્ષના વિલંબ બાદ વાઘરેચ ડેમનું ખાતમુહૂર્ત 15મી એપ્રિલની શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે કરાઈ રહ્યું છે અને તેનું કામ આગળ ધપશે.
15થી 25 કરોડનો ખર્ચ હવે 150થી 250 કરોડે પહોંચ્યો
ડેમમાં વિલંબ થવાને કારણ કે ખર્ચ પણ વધતો ગયો છે. દેવધા ડેમ ઝડપથી વર્ષો અગાઉ માંડ 16થી 18 કરોડમાં બની ગયો હતો. પૂર્ણા અને વાઘરેચ ડેમમાં પણ ખર્ચનો અંદાજ વર્ષો અગાઉ 14થી 25 કરોડ વચ્ચે જ હતો. જોકે હવે વાઘરેચ ડેમનો ખર્ચ અંદાજે 250 કરોડ અને પૂર્ણા ડેમનો ખર્ચ 125થી 150 કરોડ અંદાજાયો છે. જોકે નવી ડિઝાઈનમાં ‘પાળા’ વગેરેના કારણે પણ ખર્ચ વધ્યાનું કહેવાય છે.
પૂર્ણા અને વાઘરેચ ડેમમાં વર્ષોનો વિલંબ થયો કારણ કે…
નવસારી જિલ્લામાં દેવધા ડેમ સિવાયના બે ડેમ પૂર્ણા ટાઈડલર અને વાઘરેચ ડેમની યોજના બન્યાંના 17થી 20 વર્ષ થવા છતાં સ્થળ ઉપર કામ શરૂ કરી શકાયું નથી. આ અંગે પૂર્ણા ડેમની વિગત જોઈએ તો ડેમ અગાઉ અલુરા-બોદાલી ગામ ખાતે બનવાની યોજના બનાવાઈ હતી પરંતુ આ જગ્યા ઉપર કરાયેલ એક સરવેમાં જલાલપોર, તવડી જેવા વિસ્તારો ડુબાણમાં જવાની શક્યતા જોવાઈ હતી.
અન્ય પણ કારણો હતા, જેથી તે સ્થળ રદ કરાયું હતું. ત્યારબાદ ચારથી પાંચ વર્ષ તો ખાસ કંઈ થયું નહીં. આખરે હાલ થોડા સમય અગાઉ નવસારી નજીકના કસ્બા-વિરાવળની જગ્યાએ ડેમ બનાવવાનું નક્કી કરાયું છે. વાઘરેચ ડેમમાં પણ અગાઉ બે જગ્યાએ સરવે વગેરે થયું હતું પરંતુ ત્યાં નજીકના વિસ્તારમાં ડુબાણમાં જવાની સ્થિતિ, ફાઉન્ડેશન સ્ટેટસ વગેરે યોગ્ય લાગ્યું નહતું. આખરે હાલની જગ્યા નક્કી કરવામાં વર્ષો વિતી ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.