નવસારી જિલ્લામાં આવેલા વાંસદા તાલુકામાં અવારનવાર ભૂકંપનાં આંચકા અનુભવાય છે. આજે ફરી વખત ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. વાંસદા પંથકમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 2.9 નોંધવામાં આવી છે. આ ભૂકંપનું એપી સેન્ટર વાંસદા તાલુકાનું ભીનાર ગામ છે.
વર્ષમાં બેથી ત્રણ વખત આંચકા અનુભવાયા
2 વર્ષ અગાઉ સિસ્મોલોજીકલ વિભાગની ગાંધીનગરની ટીમે પણ આ વિસ્તારમાં ભૂકંપને લઈને સર્વે કર્યો હતો પરંતુ ખાસ કંઈ હાથ લાગ્યું ન હતું. આજે ફરીવાર વાંસદાનાં અંતરિયાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાતા ડિઝાસ્ટર વિભાગ પણ એલર્ટ બન્યું છે. વર્ષ દરમિયાન બેથી ત્રણ વખત વાંચતા તાલુકામાં ભૂકંપના આંચકા અનુભવાય છે અને આ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અવારનવાર આવતા ભૂકંપના આંચકાઓથી ભય અનુભવે છે. કાચા મકાનોમાં ક્યારેક તિરાડ પડી જાય છે તો ક્યારેક છત ઉપર પણ નુકસાન થયાનું ભૂતકાળમાં નોંધાયું છે.
રસોડાની દિવલ પડી ગઈ હતી
જમી પરવારીને ઘરમાં બેસેલા હતા ત્યારે જોરદાર આંચકો લાગ્યો હતો. જોરદાર અવાજ આવતા ઘરમાં જઇને જોતા રસોડાની દિવાલ પડી ગઇ હતી. - કરસનભાઈ પટેલ, માજી સરપંચ, કુકડા
અમે કામ કરતી વેળા ધ્રુજી ગયા હતા
ખૂબ જ ટૂંકા અંતરે ભૂકંપના આંચકા વાંસદા પંથકમાં આવતા જ રહે છે, જેના કારણે લોકો ભયના માહોલ હેઠળ રહે છે. અમે લોકો કામ કરતા હતા એવા સમયે ભૂકંપ આવતા ધ્રુજી ગયા હતા. - વિનોદભાઈ પટેલ, માજી સરપંચ, નાની ભમતી
એપી સેન્ટર હોવા છતાં કોઈ નુકસાની નથી
ભીનાર ગામમાં ભૂકંપનું એપી સેન્ટર હોવા છતાં ગામમાં કોઈ નુકસાની થઈ નથી. ભૂકંપનો આંચકો જોરદાર હતો. લોકોના ઘરોમાં પતરા પણ હલી ગયા હતા. - લાલુભાઇ પટેલ, સરપંચ, ભીનાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.