મોજે મોજ:ઓનલાઈન સમર કેમ્પમાં નવસારીની 18 પ્રાથમિક શાળાનાં 280 વિદ્યાર્થીએ 5 દિવસ કરી જ્ઞાન-ગમ્મત

નવસારી8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં કોરોના કાળમાં બાળકોની આંતરિક શક્તિ ખીલવવા રાજ્યવ્યાપી પ્રયાસ

કોરોના મહામારીમાં ઓફલાઈન શિક્ષણ બંધ છે પણ ઓનલાઇન શિક્ષણ ચાલુ છે. હાલમાં પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8ના છાત્રોને માસ પ્રમોશન સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. હાલ વેકેશન હોય બાળકોમાં નવી ઉર્જા અને આંતરિક શક્તિ ખીલે તે માટે ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા 21 થી 25 મે દરમિયાન ક્લામૃતમ 2021 ઓનલાઇન સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. નવસારી નગરપ્રાથમિક શિક્ષણ સંચાલિત 18 શાળાના 280 છાત્ર ઓનલાઇન સમર કેમ્પમાં ભાગ લઈ જુદી-જુદી વસ્તુઓ બનાવતા શીખ્યા હતા.

આ સમર કેમ્પ સાંજે 5 થી 6.30 વાગ્યાના સમય દરમિયાન યોજાયો હતો. આ સમય દરમિયાન જુદા જુદા વિષયના શિક્ષકો અને તજજ્ઞોએ છાત્રોને નવા-નવા વિષયો પર લેખિત અને પ્રેક્ટીકલ જ્ઞાન આપ્યું હતું. જેમાં ગીત-સંગીત, રમકડા સર્જન, ચિત્રકામ, રમતગમત અને હાસ્ય દરબારનો સમાવેશ થાય છે. છાત્રોએ પાંચ દિવસ ઓનલાઇન સમર કેમ્પનો આનંદ માણ્યો હતો. તમામ ભાગ લેનારાઓને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. કોરોના કાળમાં છાત્રો ઘરે બેસી રહ્યા હતા ત્યારે સમર કેમ્પ થકી તેઓએ નવા નવા વિષયો પર જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું.

આ ઓનલાઇન સમર કેમ્પમાં જોડાવવા માટે છાત્રોને લિંક આપી હતી, જે થકી છાત્રો તેમના વાલીઓની મદદ લઇ જોડાયા હતા. લિંકમાં જોડવાથી તેઓ સોશિયલ ગ્રુપમાં જોડાઈ જતા હતા. આ ગ્રુપ પર છાત્રો માટે ગીત સંગીત, રમકડાં બનાવવા અંગેની પ્રેકટીકલ માહિતી, ઘરે બેસી કઈ રમતો રમી શકાય તે માટે માહિતી આપી હતી. આ ઉપરાંત છાત્રોને કોઈ સૂચનો કે કોઈપણ મૂંઝવણ હોય તે માટે જાણ કરવા પણ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા જણાવાયું હતું.

કળા અને હાસ્ય સાથે શિક્ષણનો અનોખો પ્રયોગ
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ નવસારી સંચાલિત 18 શાળાના 280 જેટલા વિદ્યાર્થીએ ચિલ્ડ્રન યુનિ. ગાંધીનગર આયોજિત સમર કેમ્પ ‘કલામૃતમ’માં ઓનલાઇન જોડાયેલા તમામને સોફટ કોપીમાં સર્ટીફિકેટ મળશે. ગીત-સંગીત, રમકડા સર્જન, ચિત્રકામ, રમતગમત અને હાસ્ય દરબાર એમ પાંચ દિવસ વિવિધ કાર્યક્રમ દ્વારા બાળકોએ અનોખી ઉર્જા પ્રાપ્ત કરી હતી. કોરોના કાળમાં ગમ્મત સાથે શિક્ષણના અનોખા પ્રયોગથી છાત્રોએ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. - ભૂમિકાબેન પટેલ, શાસનાધિકારી, નવસારી પ્રા.શિક્ષણ સમિતિ

અન્ય સમાચારો પણ છે...